2024ના વર્લ્ડ કપની બાર્બેડોઝની ફાઇનલનું રવિવારે અમદાવાદમાં પુનરાવર્તન
અમદાવાદઃ ટી-20ના વર્લ્ડ નંબર-વન ભારત (INDIA) અને વર્લ્ડ નંબર-ફાઇવ સાઉથ આફ્રિકા (south africa) વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (સાંજે 7.00 વાગ્યાથી) સુપર-એઇટનો મહાજંગ થશે અને એ સાથે બન્નેમાંથી એક ટીમ (વિજયી ટીમ) રાત્રે સેમિ ફાઇનલની દિશામાં આગળ વધશે.
જ્યારે બીજી ટીમ (પરાજિત ટીમ) આ રાઉન્ડની બાકીની બન્ને મૅચ જીતીને સેમિમાં પહોંચવાની આશા રાખશે. આ ટૂર્નામેન્ટની શરૂઆતથી જ ભારત અને સાઉથ આફ્રિકાને 2024ની ફાઇનલના રી-રન માટે તેમ જ વિજેતાપદ માટે ફેવરિટ ગણવામાં આવ્યા છે અને રવિવારે એ જ બે ટીમ સુપર-એઇટમાં સામસામે આવી ગઈ છે.
PTI
2024માં બાર્બેડોઝમાં ભારત ફાઇનલ જીત્યું
2024ના પાછલા વર્લ્ડ કપમાં બાર્બેડોઝની ફાઇનલ જીતીને ભારત ચૅમ્પિયન બન્યું હતું અને સાઉથ આફ્રિકા 35મી ઓવર સુધી ફેવરિટ રહ્યા બાદ રનર-અપ બન્યું હતું. આ વખતે બન્ને ટીમ પોતપોતાના ગ્રૂપમાં અપરાજિત રહીને હવે અમદાવાદમાં એકમેકને પરાજિત કરવાની તલાશમાં છે.
ભારત ટી-20 વર્લ્ડ કપમાં સતત 12 મૅચ જીતવાનો વિક્રમ ધરાવે છે અને આ જ ફૉર્મેટના વિશ્વ કપમાં ભારતનો સાઉથ આફ્રિકા સામે 5-2નો જીત-હારનો રેશિયો છે.
PTI
અભિષેક ફૉર્મમાં આવશે તો આવી બન્યું સમજો
ઓપનર અભિષેક શર્મા સતત ત્રણ વખત શૂન્યમાં આઉટ થયો હોવાથી તેના વિશે ચોક્કસપણે કંઈ જ ધારી ન શકાય, પરંતુ જો અસલ ફૉર્મમાં આવી જશે તો કૅગિસો રબાડા, ઍન્રિક નોર્કિયા, કેશવ મહારાજ, એઇડન માર્કરમ, માર્કો યેનસેન અને કૉર્બિન બૉશ્ચમાંથી બે-ચાર બોલરનું તો આવી જ બનશે. જો પ્રથમ બૅટિંગ આવશે અને અભિષેક તથા ઇશાન કિશનની જોડી ફરી જામશે તો ભારત માટે જીતનો સારો પાયો નખાઈ જશે અને આ હાઈ-સ્કોરિંગ ગ્રાઉન્ડ પર 250 જેટલા રન થવાની સંભાવના વધી જશે.
PTI
વરુણના વટથી ભયભીત માર્કરમના મહારથીઓ
સાઉથ આફ્રિકાના બોલર્સને વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્માનો જેટલો ડર હશે એનાથી અનેક ગણો ડર તેમના બૅટ્સમેનોને વર્લ્ડ નંબર-વન બોલર વરુણ ચક્રવર્તીનો છે. મેદાન પરના `સાઇલન્ટ કિલર' જેવા આ સ્પિનરે આ વર્લ્ડ કપની ચાર મૅચમાં નવ વિકેટ લીધી છે. તેણે ચાર દિવસ પહેલાં અમદાવાદના આ જ મેદાન પર નેધરલૅન્ડ્સ સામે 14 રનમાં ત્રણ વિકેટ લઈને ભારતનો વિજય આસાન બનાવ્યો હતો.
અભિષેકના 0, 0, 0 સામે તિલકના 25, 25, 25
આ વર્લ્ડ કપમાં એક તરફ અભિષેકે ત્રણેય મૅચમાં સદંતર ફ્લૉપ જતાં શૂન્યની હૅટ-ટ્રિક (0, 0, 0) નોંધાવી છે ત્યાં બીજી બાજુ ચારેય લીગ મૅચ રમનાર તિલક વર્માએ 18મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં નેધરલૅન્ડ્સ સામે 31 રન કર્યા એ પહેલાંની ત્રણેય મૅચમાં (પાકિસ્તાન, નામિબિયા, અમેરિકા સામે) 25, 25, 25 રન કર્યા હતા.

બન્ને દેશની સંભવિત ઇલેવનઃ
ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિન્કુ સિંહ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.
સાઉથ આફ્રિકાઃ એઇડન માર્કરમ (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), રાયન રિકલ્ટન, ડેવાલ્ડ બે્રવિસ, ટ્રિસ્ટેન સ્ટબ્સ, ડેવિડ મિલર, માર્કો યેનસેન, કૉર્બિન બૉશ્ચ, કેશવ મહારાજ, કૅગિસો રબાડા/ઍન્રિક નોર્કિયા અને લુન્ગી ઍન્ગિડી.