ભારત અપરાજિત, નેધરલૅન્ડ્સ જબરદસ્ત લડત આપીને હાર્યું
અમદાવાદઃ ભારત (20 ઓવરમાં 6/193) અહીં બુધવારે ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ-એની અંતિમ લીગ મૅચમાં નેધરલૅન્ડસ (7/176)ને 17 રનથી હરાવીને લીગ રાઉન્ડમાં અપરાજિત રહ્યું હતું. હવે ભારત સુપર-એઇટ રાઉન્ડમાં રવિવારે અમદાવાદમાં જ સાઉથ આફ્રિકા સામે રમશે. નેધરલૅન્ડ્સે બૅટિંગમાં ભારતને જોરદાર લડત આપી હતી. ડચ ટીમ 194 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં સાત વિકેટે 176 રન કરી શકી હતી. સાત ડચ બૅટ્સમેનના ડબલ ડિજિટમાં રન હતા અને એમાં બાસ ડિલીડના 33 રન હાઇએસ્ટ હતા. શિવમ દુબેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
વરુણ ચક્રવર્તી (3-0-14-3)ના સ્પિન સામે નેધરલૅન્ડ્સના બૅટ્સમેન ઝૂકી ગયા હતા. એક તબક્કે તે હૅટિ-ટ્રિક પર હતો, પણ સફળ નહોતો થયો. શિવમ દુબેને બે તેમ જ બુમરાહ અને હાર્દિકને એક-એક વિકેટ મળી હતી.
એ પહેલાં, ભારતે (India) બૅટિંગ લીધા બાદ ઓપનિંગ અને મિડલ-ઑર્ડરના ધબડકા બાદ શિવમ દુબે (66 રન, 31 બૉલ, છ સિક્સર, ચાર ફોર) અને હાર્દિક પંડ્યા (30 રન, 21 બૉલ, ત્રણ સિક્સર) વચ્ચે 35 બૉલમાં થયેલી 76 રનની ભાગીદારીએ ભારતીય ટીમની આબરૂ સાચવી હતી.
PTI
હાર્દિક ઇનિંગ્સના છેલ્લા બૉલમાં આઉટ
બન્ને ઓપનર અભિષેક શર્મા (0) અને ઇશાન કિશન (18 રન, સાત બૉલ, એક સિક્સર, બે ફોર) સારું રમવામાં નિષ્ફળ ગયા બાદ તિલક વર્મા (31 રન, 27 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર), કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (34 રન, 28 બૉલ, એક સિક્સર, બે ફોર)એ બાજી સંભાળી લીધી હતી અને તેમના આઉટ થયા પછી ખરી આતશબાજી શરૂ થઈ હતી જેમાં શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ વારાફરતી નેધરલૅન્ડ્સ (Netherlands)ના બોલર્સની ખબર લીધી હતી. ઇનિંગ્સના અંતિમ બૉલમાં હાર્દિક સિક્સર મારવાના પ્રયાસમાં કૅચ આપી બેઠો હતો. એ અગાઉ, રિન્કુ સિંહને હંમેશની જેમ ઓછા બૉલ રમવા મળ્યા હતા અને એમાં તેણે પ્રેક્ષકોને થોડા ખુશ કર્યા હતા. તેને ફક્ત ત્રણ બૉલ રમવા મળ્યા હતા જેમાં તેણે એક સિક્સરની મદદથી છ રન કર્યા હતા અને અણનમ રહ્યો હતો. ડચ ટીમ વતી લૉગેન વૅન બીકે ત્રણ તેમ જ ભારતીય મૂળના ઑફ સ્પિનર આર્યન દત્તે બે વિકેટ લીધી હતી. એક વિકેટ કાઇલ ક્લેઇનને મળી હતી.
આર્યન દત્ત શરૂઆતમાં ત્રાટક્યો
ટીમ ઇન્ડિયાએ રવિવારે પાકિસ્તાન સામે અસરદાર પર્ફોર્મન્સથી મૅચને વન-સાઇડેડ બનાવીને જીતી લીધી હતી, પણ અમદાવાદમાં નેધરલૅન્ડ્સ જેવી ઓછી પડકારરૂપ ટીમ સામે ભારતે 39 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. બન્ને હાર્ડ-હિટિંગ ઓપનર અભિષેક શર્મા અને ઇશાન કિશનને સ્પિનર આર્યન દત્તે ક્લીન બોલ્ડ કરી દીધા હતા. એમાં પણ ખાસ કરીને ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્માની જરા પણ ફટકાબાજી અમદાવાદવાસીઓને ન જોવા મળી, કારણકે તે નેધરલૅન્ડસ સામેની મૅચની હજી તો શરૂઆત થઈ ત્યાં પોતાના ત્રીજા જ બૉલમાં શૂન્ય પર આઉટ થઈ ગયો હતો.
PTI
અભિષેકના આઠ મૅચમાં પાંચ ઝીરો
અભિષેક વર્લ્ડ કપમાં સતત ત્રીજી મૅચમાં ઝીરો (શૂન્યની હૅટ-ટ્રિક) પર વિકેટ ગુમાવી બેઠો હતો. તે આ પહેલાં, અમેરિકા સામેની વાનખેડેની મૅચમાં અને પછી પાકિસ્તાન સામેની મૅચમાં ખાતું ખોલાવ્યા વગર પૅવિલિયનમાં પાછો આવ્યો હતો. અભિષેકે છેલ્લી આઠ મૅચમાં પાંચ વખત શૂન્યમાં વિકેટ ગુમાવી છે.
ગુરુવારે કયા મુકાબલા?
ઇટલી વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ
(કોલકાતા, સવારે 11.00)
શ્રીલંકા વિરુદ્ધ ઝિમ્બાબ્વે
(કોલંબો, બપોરે 3.00)
અફઘાનિસ્તાન વિરુદ્ધ કૅનેડા
(ચેન્નઈ, સાંજે 7.00)