Mon Oct 05 2026

Logo

ભારત-પાકિસ્તાન હૉકી મૅચમાં એક સમયે ગરમાગરમી થઈ, છેલ્લે ખેલાડીઓ ભેટ્યા!

Nagoya   2026-10-01 19:35:03
Author: Ajay Motiwala
ભારત-પાકિસ્તાન હૉકી મૅચમાં એક સમયે ગરમાગરમી થઈ, છેલ્લે ખેલાડીઓ ભેટ્યા!

નાગોયાઃ ભારત અને પાકિસ્તાન (Pakistan)ના ક્રિકેટરો જ્યારે સામસામે આવતાં ગરમાગરમી થવાના બનાવો અગાઉ ઘણી વખત બનતા હતા, પણ જ્યારથી ખાસ કરીને વર્લ્ડ કપના મુકાબલાઓમાં ભારત (India)નું એના પર વર્ચસ્વ વધી ગયું છે ત્યારથી એવી ઘટના લગભગ બંધ થઈ ગઈ છે અને એવા તંગદિલીભર્યા બનાવ થોડા વર્ષોથી હૉકીમાં બનવા લાગ્યા છે. ગુરુવારે અહીં એશિયન ગેમ્સમાં બન્ને દેશ વચ્ચેની હૉકી (Hockey)ની સેમિ ફાઇનલમાં એવો જ એક બનાવ બન્યો જે તરત જ ઠંડો પડી ગયો હતો.

ભારતે પાકિસ્તાનને આ રસાકસીભરી મૅચમાં 4-3થી હરાવ્યું હતું. છેલ્લી મિનિટ સુધી બન્ને ટીમ 3-3ની બરાબરીમાં હતા. બન્ને ટીમના સ્ટ્રાઇકર્સ અને ડિફેન્ડર્સે બધી શક્તિ અને ટૅલન્ટ વાપરી લીધી હતી અને મૅચ ડ્રૉ થતાં મુકાબલો શૂટઆઉટમાં જવાની તૈયારીમાં હતો ત્યાં અભિષેક નૈન નામના ભારતીય ખેલાડીએ ગોલ કરીને બાજી પલ્ટાવી નાખી હતી.

એક તબક્કે પાકિસ્તાનના નદીમ અહમદ નામના ખેલાડીની એક ભારતીય પ્લેયર સાથે દલીલબાજી થઈ હતી. તરત જ ભારતનો હાર્દિક સિંહ નદીમ પાસે પહોંચી ગયો અને તેને શાંત પાડ્યો હતો. નદીમ દલીલ કરતો રહ્યો હતો, પણ હાર્દિકે તેને શાંત પાડી દીધો હતો અને બધા ફરી રમવા લાગ્યા હતા.

ભારતે અભિષેક નૈનના ચમત્કારિક પર્ફોર્મન્સમાં (મૅચ પૂરી થવાને 45 સેક્નડ બાકી હતી ત્યારે) વિનિંગ ગોલ કર્યો અને ભારતે વિજય મેળવ્યો ત્યાર બાદ ભારત અને પાકિસ્તાનના કેટલાક ખેલાડી એકમેકને મળ્યા હતા. પાકિસ્તાનના અહમદ બટ જીતના અભિનંદન આપવા આવ્યો ત્યારે તે ભારતના ત્રણ ખેલાડી કૅપ્ટન હરમનપ્રીત સિંહ, મનપ્રીત સિંહ અને મનદીપ સિંહને ભેટ્યો હતો.