મુંબઈઃ ગત 24મી જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી હૂંડિયામણની અનામત 6.118 અબજ ડૉલર વધીને 682.354 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 1.08 અબજ ડૉલર વધીને 676.237 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત 27મી ફેબ્રુઆરીના રોજ દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત વધીને 728.494 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચી હતી.
જોકે, ત્યાર બાદ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર અને ઈરાને ઈઝરાયલ તથા અમેરિકાના સહયોગી અખાતી દેશો પર હુમલાઓ કરતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હતા. તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયાનું થતું ધોવાણ ખાળવા માટે સમયાંતરે હાજર બજારમાં રિઝર્વ બૅન્કની ડૉલરમાં વેચવાલી રહેતાં વિદેશી હૂંડિયામણની અનામતમાં ક્રમશ ઘટાડો થતો રહ્યો હતો.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં સૌથી વધુ હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 4.873 અબજ ડૉલર વધીને 555.929 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
વધુમાં સપ્તાહ દરમિયાન સોનાની અનામત 1.308 અબજ ડૉલર વધીને 103.058 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 5.3 કરોડ ડૉલર ઘટીને 18.617 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 1.1 કરોડ ડૉલરના ઘટાડા સાથે 4.75 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.