મુંબઈઃ ગત ચોથી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 44.903 અબજ ડૉલરના ઉછાળા સાથે વધીને નવી 785.706 અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. આ પૂર્વેના સપ્તાહે પણ અનામત 11.475 અબજ ડૉલર વધીને 740.803 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ રહી હતી.
ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ ફેબ્રુઆરીના અંતે અમેરિકા અને ઈરાન વચ્ચે ભૂરાજકીય તણાવ સપાટી પર આવતા ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હતા અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા ધોવાણને ખાળવા માટે સમયાંતરે રિઝર્વ બૅન્કે બજારમાં હસ્તક્ષેપ કરવો પડતો હોવાથી અનામતમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, ગત જૂન મહિનામાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ રૂપિયાના ધોવાણને અટકાવવા અને અનામતનું ભંડોળ વધારવા માટે ક્નસેસ્નલ સ્વેપ ફેસિલિટી શરૂ કરતાં 136 અબજ ડૉલરનો નવો આંતરપ્રવાહ રહ્યો હતો.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 47.498 અબજ ડૉલર વધીને 648.168 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવા અન્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
વધુમાં સપ્તાહ દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત 20 લાખ ડૉલર વધીને 4.916 અબજ ડૉલરના સ્તરે રહી હતી. જોકે, સોનાની અનામત 2.594 અબજ ડૉલર ઘટીને 113.816 અબજ ડૉલરના સ્તરે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 40 લાખ ડૉલરના ઘટાડા સાથે 18.806 અબજ ડૉલરના સ્તરે રહ્યા હોવાનું રિઝર્વ બૅન્કે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.