ભુજઃ વિદેશથી આયાત કરાયેલા કિંમતી માર્બલના ક્લિયરન્સના બહાને આશરે રૂપિયા 28 લાખથી વધુની કિંમતનો માર્બલ બ્લોક્સનો જથ્થો બારોબાર સગેવગે કરી નાખવાના ચકચારી પ્રકરણમાં કસ્ટમ ક્લિયરિંગનું કામ સંભાળતી એજન્સીના સંચાલક સામે મુંદરા પોલીસ મથકે વિધિવત્ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનના ઉદયપુર ખાતે કાર્યરત મલ્ટિ માર્બલ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની વિદેશમાંથી માર્બલનો જથ્થો મુંદરા તેમજ કંડલા બંદરે આયાત કરી તેનો વેપાર કરે છે. આ કંપનીએ પોતાના માલસામાનના કસ્ટમ ક્લિયરન્સની કામગીરી અર્થે મીવાન ઓસીઆન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડના સંચાલક અભિષેક ધનજી બાલાસરા (રહે. આદિપુર)ની સેવા લીધી હતી. અગાઉ આપેલાં 12 જેટલાં ઇન્વોઇસ બિલોમાં વધારે ચાર્જ દર્શાવવા બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
આ સમયગાળા દરમિયાન રાજસ્થાનની કંપનીનો રૂપિયા 28,07,916ની કિંમતનો માર્બલ બ્લોક્સનો જથ્થો મુંદરા પોર્ટ સીએફએસ ખાતે આવી પહોંચ્યો હતો. કંપનીએ તેની કસ્ટમ ડ્યૂટી પેટે રૂપિયા 14,52,201નું સંપૂર્ણ ચૂકવણું કરી દીધું હતું. ત્યારબાદ અભિષેક બાલાસરાએ કાર્ગો ક્લિયર કરાવવા માટે રૂપિયા 8,15,699નો ખર્ચ થશે તેમ જણાવતાં, કંપનીએ તેને રૂપિયા 5 લાખ એડવાન્સ પેટે ચૂકવી આપ્યા હતા. આ રકમ મેળવ્યા બાદ અભિષેકે પોર્ટ પરથી માલ છોડાવી લીધો હતો, પરંતુ મૂળ માલિક કંપનીને સોંપવાને બદલે માર્બલનો જથ્થો બારોબાર સગેવગે કરી નાખ્યો હતો.
આ કેસમાં મુંદરા પોલીસે તપાસ શરૂ કરી
કંપની દ્વારા માલની વારંવાર ઉઘરાણી કરવામાં આવતાં આરોપીએ "તમારી કંપની પાસેથી મારે પચીસ લાખ રૂપિયા લેવાના નીકળે છે, તે ચૂકવશો તો જ માલ મળશે" તેવી ઉદ્ધત દલીલ કરી હતી. જ્યારે કંપનીના મતે હિસાબ પેટે માત્ર 11 લાખ રૂપિયા ચૂકવવાના થતા હતા. આમ, હિસાબી વિવાદની આડમાં રૂપિયા 28 લાખનો કિંમતી માલ પચાવી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મલ્ટિ માર્બલ્સ પ્રા.લિ.ના એકાઉન્ટન્ટ સતીષ ભંડારીએ મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આદિપુરના અભિષેક ધનજી બાલાસરા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)