Tue Aug 18 2026

Logo

ભારતમાં આઝાદી બાદ શિક્ષણ ક્ષેત્રે હરણફાળ, ત્રણ શિક્ષણ નીતિઓ લાગુ કરાઇ

2026-08-13 22:11:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: ભારત 15 ઓગસ્ટે 80 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. જોકે, ભારતે  આઝાદીના 79 વર્ષમાં શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે.   તેમજ આ વર્ષો દરમિયાન દેશમાં ત્રણ શિક્ષણ નીતિઓ લાગુ કરવામાં આવી છે, જે દરેક રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.જેમાં દેશમાં શિક્ષણના સર્વાંગી વિકાસ માટે હાલ દેશના નવી શિક્ષણ નીતિ 2020 અમલમાં છે.

વર્ષ 1961 માં NCERT ની સ્થાપના કરવામાં આવી

આપણે દેશમાં શિક્ષણ  ક્ષેત્રમાં પ્રગતિ પર નજર કરીએ તો  સ્વતંત્રતા પૂર્વે શિક્ષણ  મર્યાદિત ક્ષેત્રોમાં ઉપલબ્ધ  હતું.  આઝાદી સમયે ભારતનો સાક્ષરતા દર 10 ટકાથી નીચે હતો. જેના પગલે  ભારત સરકારે ઘણા પગલાં લીધાં અને શિક્ષણમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે કામ કર્યું. આ પ્રક્રિયાના ભાગ રૂપે વર્ષ 1952-53 માં માધ્યમિક શિક્ષણ આયોગની રચના કરવામાં આવી હતી અને વર્ષ  1961 માં NCERT ની સ્થાપના કરવામાં આવી હતી.

આઝાદીના 21 વર્ષ બાદ દેશની પ્રથમ શિક્ષણ નીતિ અમલી

તેમજ આઝાદીના 21 વર્ષ બાદ દેશની પ્રથમ શિક્ષણ નીતિ અમલી બની હતી. જેને  કોઠારી કમિશન (1964-65 ) ની ભલામણો અનુસાર ઘડવામાં આવી. આ નીતિએ દેશની શિક્ષણ પ્રણાલીમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા. 

14 વર્ષ સુધીના તમામ બાળકો માટે ફરજિયાત શિક્ષણ

આ ઉપરાંત દેશની પ્રથમ શિક્ષણ નીતિમાં  શિક્ષણને રાષ્ટ્રીય મહત્વનો વિષય જાહેર કરવામાં આવ્યો હતો.કેન્દ્રીય બજેટના 6 ટકા શિક્ષણ પર ખર્ચ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.આ  શિક્ષણ નીતિમાં માધ્યમિક સ્તરે ત્રણ ભાષાના સૂત્રનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકો માટે ફરજિયાત શિક્ષણનો ધ્યેય સ્થાપિત કરવામાં આવ્યો હતો.

છોકરીઓ માટે ગૃહ વિજ્ઞાન ફરજિયાત કરવામાં આવ્યું

જ્યારે છોકરીઓ માટે ગૃહ વિજ્ઞાન ફરજિયાત કરવામાં આવ્યું હતું. તેમને વિજ્ઞાન અને ગણિતનો અભ્યાસ કરવાની સ્વતંત્રતાનો અભાવ હતો.જોકે,  નવી શિક્ષણ નીતિમાં સમાન તકો પૂરી પાડવામાં આવી હતી.

જયારે દેશની બીજી શિક્ષણ નીતિ 1986 માં લાગુ કરવામાં આવી હતી. તેની  બાદ આ નીતિમાં 1992 માં સુધારો કરવામાં આવ્યો હતો. આ નીતિનો હેતુ  જે સત્તાવાર રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-1986 તરીકે ઓળખાય છે. જેમાં  મહિલાઓ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ સમુદાયોને સમાન શૈક્ષણિક તકો પૂરી પાડવાનો હતો.  આ નીતિ હેઠળ ઘણા મહત્વપૂર્ણ પગલાં રજૂ કરવામાં આવ્યા હતા. 

IGNOUનો વિસ્તાર કરવામાં આવ્યો 

જેમાં પ્રાથમિક શાળાઓને સુધારવા માટે 'ઓપરેશન બ્લેકબોર્ડ' શરૂ કરવામાં આવ્યું હતું. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી (IGNOU)નો વિસ્તાર કરવામાં આવ્યો હતો.આ નીતિમાં સુધારાને કારણે રાષ્ટ્રીય સ્તરે JEE અને AIEEE અને રાજ્ય-સ્તરીય સંસ્થાઓ માટે રાજ્ય સ્તરીય એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા (SLEEE)ની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના લાગુ કરવામાં આવી હતી. 

શિક્ષણ નીતિ 2020 માં છ વર્ષ સુધીના બાળકો માટે પ્રિસ્કૂલ ફરજિયાત 

ભારતની ત્રીજી શિક્ષણ નીતિ 2020 માં લાગુ કરવામાં આવી હતી. જેને નવી શિક્ષણ નીતિ (NEP) 2020 તરીકે ઓળખવામાં આવે છે. આ નવી નીતિ હેઠળ, શાળા શિક્ષણ માળખું  5+3+3+4  પેટર્નને અનુસરે છે. જેમાં 3 થી 8 વર્ષની વયના બાળકો માટે અભ્યાસક્રમને બે જૂથોમાં વહેંચવામાં આવ્યો છે. છ વર્ષ સુધીના બાળકો માટે પ્રિસ્કૂલ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ પગલાંની સાથે અન્ય ઘણા ફેરફારો પણ રજૂ કરવામાં આવ્યા છે.

ધોરણ 5 સુધીનું શિક્ષણ માતૃભાષા કરાવવા નિર્ણય 

નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ, ધોરણ 5 સુધીનું શિક્ષણ માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ  ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવશે.

નવી શિક્ષણ નીતિ 2020  માં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન અંગે સુધારા રજૂ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત  શાળા સ્તરથી શરૂ થતા અભ્યાસક્રમમાં વ્યાવસાયિક શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે PARAKH કેન્દ્ર સ્થાપિત 

નવી શિક્ષણ નીતિ હેઠળ NCERT એ શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું (NCFSE)તૈયાર કર્યું છે. જેના આધારે પાઠ્યપુસ્તકો વિકસાવવામાં આવી રહ્યા છે. તેમજ વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે PARAKH નામનું એક નવું રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે.