ભારતીય રેલવે એ દુનિયાનું સૌથી વ્યસ્ત અને વિશાળ કહી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરી જ હશે તો તમારી સાથે પણ થયું હશે કે તમને ઘરના વડીલો કે મહિલાઓ માટે લોઅર બર્થ જોઈતી હશે, પણ તમને અપર, મિડલ કે સાઈડ અપર બર્થ મળી જાય છે. આવી સ્થિતિમાં ટ્રાવેલિંગ એક ફન નહીં પણ ચેલેન્જ બની જાય છે. પરંતુ આજે અમે અહીં તમને એક એવી સિક્રેટ ટ્રીક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમને હવે જ્યારે પણ ટિકિટ બુક કરશો ત્યારે લોઅર બર્થ જ જ મળશે. ચાલો જોઈએ જોઈએ શું છે આ સિક્રેટ ટ્રીક...
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે લોઅર બર્થ મેળવવી એ ઘણીવાર માથાના દુખાવા સમાન બની જાય છે. આવું થવા માટે ઘણી વખત લોકો રેલવેને દોષ આપે છે, પરંતુ હકીકતમાં તો ટિકિટ બુકિંગ કરવાની પદ્ધતિ અને નિયમોની જાણકારીનો અભાવ મુખ્ય કારણ હોય છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે આઈઆરસીટીસી (IRCTC) અને રેલ્વેના નિયમો મુજબ, જો થોડી સમજદારી રાખવામાં આવે તો લોઅર બર્થ મેળવવી સરળ બની શકે છે.
રેલવેમાં વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ તેમ જ એકલી પ્રવાસ કરતી મહિલાઓ માટે લોઅર બર્થનો સ્પેશિયલ ક્વોટા હોય છે, પરંતુ તેનો લાભ લેવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
વાત કરીએ રેલવેના લોઅર બર્થ ક્વોટાના નિયમોની તો નિયમ અનુસાર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષો અને 58 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે સ્લીપરથી લઈને AC કોચ સુધી લોઅર બર્થ ક્વોટા નક્કી હોય છે. આ સિવાય 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને એકલી મુસાફરી કરતી મહિલાઓને લોઅર બર્થ આપવામાં રેલવે અને આઈઆરસીટીસી દ્વારા પ્રાથમિકતા આપવામાં આવે છે.
હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે કઈ રીતે આ નિયમનો લાભ ઉઠાવવો તો એક જ પીએનઆર પર માત્ર 1 કે 2 સિનિયર સિટીઝન હોય તો લોઅર બર્થ મળવાની શક્યતા વધી જાય છે. જો એકસાથે ઘણા લોકોની ટિકિટ હોય, તો સિસ્ટમ બધાને એકસાથે બેસાડવા માટે અપર કે મિડલ બર્થ એલોટ કરવામાં આવી શકે છે. પરિણામે જ્યારે એક સાથે ઘણા સિનિયર સિટિઝન હોય તો અલગ અલગ પીએનઆરથી ટિકિટ બુક કરાવવી જોઈએ. આ સિવાય ટિકિટ બુક કરતી વખતે 'Senior Citizen'નો વિકલ્પ અચૂક પસંદ કરો.
મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી જો તમે એકદમ છેલ્લી ઘડીએ ટિકિટ બુક કરાવો છો તો આવી સ્થિતિમાં લોઅર બર્થની સંખ્યા મર્યાદિત હોવાથી છેલ્લી ઘડીએ બુકિંગ કરવાથી આ સુવિધા મળતી નથી. પરિણામે હંમેશા વહેલા અને સમયસર ટિરિટ બુક કરાવવાનું રાખો.
જો ટ્રેનમાં લોઅર બર્થનો ક્વોટા પહેલેથી જ ફુલ થઈ ગયો હોય અથવા તમે જનરલ ક્વોટામાં ટિકિટ બુક કરી હોય, તો પ્રવાસ કરનાર પ્રવાસી વરિષ્ઠ નાગરિક હોવા છતાં પણ તેમને ઉપરની સીટ મળી શકે છે. જોકે, મુસાફરી દરમિયાન જો કોઈ સીટ ખાલી પડે, તો રેલવેની સિસ્ટમ આ સીટ આપોઆપ સિનિયર સિટિઝનને એલોટ કરી શકે છે.