અમદાવાદ: અમદાવાદમાં ગરમીનો પ્રકોપ તમે કયા વિસ્તારમાં રહો છો તેના પર નિર્ભર છે. પૂર્વ અમદાવાદના ઘણા વિસ્તારો થર્મલ ડેન્જર ઝોનમાં મુકવામાં આવ્યા છે. ગીચ વસતી અને હરિયાળીના અભાવે આ વિસ્તારોમાં ગ્રામ્ય કરતાં 8 ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. જેના કારણે સૌથી વધુ જોખમમાં છે. તેની સરખામણીએ પશ્ચિમના વિસ્તારો ઓછી વસ્તી ગીચતા અને વધુ હરિયાળીને કારણે પ્રમાણમાં ઠંડા છે. રિલેટિવ હીટ રિસ્ક ઇન્ડેક્સના આધારે દરેક વોર્ડનું રેન્કિંગ કરવામાં આવ્યું હતું.
સૂત્રોએ નાસાના સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને જમીનની સપાટીનું તાપમાન, ગ્રીન કવર અને વસ્તી ગીચતાને એક સ્કોરમાં જોડીને આ ઇન્ડેક્સ તૈયાર કર્યો હતો. તેના તારણો ચોંકાવનારા છે. પૂર્વના 16 વોર્ડ ક્રિટિકલ (અતિ જોખમી) હીટ રિસ્ક શ્રેણીમાં આવે છે. દર ચોરસ કિમી દીઠ સરેરાશ 58,415 લોકોની ગીચતા અને નહીંવત્ વૃક્ષો ધરાવતા આ વોર્ડમાં શહેરની 32.4% વસ્તી વસે છે. અન્ય છ ગંભીર જોખમ ધરાવતા વોર્ડને ઉમેરતા આ આંકડો 44% પર પહોંચે છે, જેનો અર્થ છે કે શહેરની લગભગ અડધી વસ્તી થર્મલ ડેન્જરમાં જીવે છે. આ અતિ જોખમી વિસ્તાર માત્ર 53.6 ચોરસ કિમીમાં ફેલાયેલો છે, જે તેને દેશના સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતા અને ગરમીથી પ્રભાવિત શહેરી વિસ્તારોમાંનો એક બનાવે છે.
કયા વોર્ડ સૌથી વધુ જોખમમાં?
ખતરાના ઇન્ડેક્સમાં વિરાટનગર (0.767) ટોચ પર છે, ત્યારબાદ દરિયાપુર (0.753), અમરાઈવાડી (0.748), ઈન્દ્રપુરી (0.736) અને મણિનગર (0.717) આવે છે — આ તમામ પૂર્વ વિસ્તારમાં છે. તેનાથી વિપરીત, ઓછા જોખમ ધરાવતા વોર્ડમાં મુખ્યત્વે પશ્ચિમના વિસ્તારો જેવા કે ગોટા (0.153), મક્તમપુરા (0.176) અને સરખેજ (0.208) નો સમાવેશ થાય છે.
જોકે, વધુ સારા ગણાતા વિસ્તારો પણ સંઘર્ષ કરી રહ્યા છે. સૌથી વધુ હરિયાળી ધરાવતા ગોતા વોર્ડની પણ 68% જમીન શહેરી વિસ્તારો માટે જરૂરી લઘુત્તમ વનસ્પતિ મર્યાદાથી નીચે છે. જ્યારે 10 વોર્ડ માં તો 95% થી વધુ જમીન આ લઘુત્તમ સ્તરથી નીચે છે. સૂત્રોએ જણાવ્યું કે, ગરમી એ આખા શહેરની સમસ્યા છે, પરંતુ ચોક્કસ લક્ષ્યાંકિત પગલાં લેવા જરૂરી છે. આ અભ્યાસમાં હવામાં વહેતા તાપમાન કરતા જમીનની સપાટીના તાપમાનને વધુ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે મોટા વિસ્તારોમાં તેને માપવું સરળ અને સસ્તું છે, જે મર્યાદિત સંસાધનો ધરાવતા વહીવટીતંત્ર માટે એક વ્યવહારુ સાધન બની શકે છે.
શહેરમાં ત્રણ દિવસ સુધી 20 વોર્ડમાં 71 સ્થળ પર એલર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં બપોરના સમયે રસ્તા પર સ્વયંભૂ કરફ્યૂ જેવો માહોલ સર્જાય છે. અમદાવાદ શહેરમાં 20 વોર્ડમાં 71 જગ્યાએ અગનભઠ્ઠી જેવો અનુભવ થશે. જેમાં ચાંદખેડા, રાણીપ, થલતેજ, ચાંદલોડિયા, બોડકદેવ, ગોતા, સરખેજ, મક્તમપુરા, સરદારનગર, ઈન્ડિયા કોલોની, નરોડા, લાંભા, વટવા, ઈસનપુર, દાણીલીમડા, મણિનગર, બહેરામપુરા, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, ઓઢવ વગેરે વોર્ડમાં કુલ મળીને 71 જગ્યા હોટ સ્પોટ જાહેર કરવામાં આવી છે.
ગુજરાત પર સૂર્યદેવ કોપાયમાન થયા હોય તેમ સૂર્યદેવ કોપાયમાન થયા હોય તેમ લાગે છે. આજે પણ હીટવેવની સ્થિતિ રહેશે. આજે કચ્ચ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં ગરમીનું જોર યથાવત્ રહેશે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ સ્થિતિ રહેશે. ચાર દિવસ બાદ 2 થી 3 ડિગ્રી પારો ગગડવાની શક્યતા છે. વધતી ગરમી અને હીટવેવની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.