Mon Oct 05 2026

Logo

હાર્દિક પંડ્યાને માથે પનોતી બેઠી છે, નવી ઈજાને લીધે હવે તે...

2026-09-26 16:51:36
Author: Ajay Motiwala
હાર્દિક પંડ્યાને માથે પનોતી બેઠી છે, નવી ઈજાને લીધે હવે તે...

નવી દિલ્હીઃ ભારતનો અનુભવી ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) હવે નવી ઈજાથી પરેશાન છે અને તેને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા આરામ કરવાની સલાહ અપાઈ છે. એવું મનાય છે કે તે આવતા મહિને ન્યૂ ઝીલૅન્ડમાં રમાનારી ટી-20 તેમ જ વન-ડે સિરીઝમાંથી કોઈ એક શ્રેણીમાં અથવા બન્ને શ્રેણીમાં કદાચ નહીં રમી શકે.

હાર્દિકને જમણા પગના આગળના ભાગ (Shin)ના સ્નાયુઓ દુખે છે જેને લીધે તે ત્રણ અઠવાડિયા સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર રહેશે. આવતા મહિને (છઠ્ઠી ઑક્ટોબરે) પુડુચેરીમાં ઑસ્ટ્રેલિયા-એ સામે શરૂ થનારી બિનસત્તાવાર વન-ડે સિરીઝ માટેની ઇન્ડિયા-એ ટીમમાં હાર્દિકને સામેલ કરવામાં આવ્યો હતો, પણ હાર્દિક એ શ્રેણીમાં નહીં રમે. ઋતુરાજ ગાયકવાડ ઇન્ડિયા-એ ટીમનો કૅપ્ટન છે અને એ ટીમના પેસ બોલર્સમાં યશ ઠાકુર, અર્શદ ખાન, ગુર્જપનીતસિંહ, આર્શિન કુલકર્ણીનો સમાવેશ છે.

ન્યૂ ઝીલૅન્ડ ખાતેના પ્રવાસ પહેલાં હાર્દિક વન-ડે મૅચમાં 10 ઓવર બોલિંગ કરી શકે છે કે નહીં એની ચકાસણી ઑસ્ટ્રેલિયા-એ સામેની બિનસત્તાવાર વન-ડે શ્રેણીમાં થવાની હતી, પણ હવે તે એ શ્રેણીમાં નહીં રમી શકે એટલે તેની ફિટનેસ વિશે નવેસરથી કાર્યક્રમ નક્કી કરવામાં આવશે.

બીસીસીઆઇની મેડિકલ પૅનલના ચીફ ડૉ. દિનશા પારડીવાલાએ હાર્દિકના મેડિકલ રિપોર્ટ જોયા છે અને તેઓ જાપાનથી પાછા આવશે ત્યારે નક્કી કરશે કે હાર્દિકે ફરી રિહૅબિલિટેશન ક્યારથી શરૂ કરવું. ન્યૂ ઝીલૅન્ડ સામેની ટી-20 સિરીઝ બાવીસમી ઑક્ટોબરે શરૂ થશે અને ત્યાર પછી વન-ડે શ્રેણી રમાશે. હાર્દિક ત્યાં સુધીમાં કમબૅક કરશે એની સંભાવના નથી.