Fri Apr 17 2026

Logo

ખટરાગના અહેવાલો વચ્ચે કૃણાલે નાના ભાઈ હાર્દિકને આઇપીએલનો ગે્રટેસ્ટ મૅચ ફિનિશર ગણાવ્યો

2026-04-16 17:08:45
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ હાર્દિક પંડ્યા અને તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા વચ્ચેના સંબંધમાં ખટાશ આવી ગઈ હોવાની થોડા દિવસથી જે ચર્ચા ચાલી રહી છે એની વચ્ચે કૃણાલે એક ઇન્ટરવ્યૂમાં હાર્દિકને આઇપીએલના ઇતિહાસના ગે્રટેસ્ટ મૅચ-ફિનિશર્સમાં ગણાવતા બન્ને ભાઈઓના ચાહકો માનસિક નિરાંત અનુભવી રહ્યા છે.

આઇપીએલમાં હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન છે અને કૃણાલ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુનો મહત્ત્વનો સ્પિનર છે. રવિવારે વાનખેડેની મૅચમાં બેંગ્લૂરુએ મુંબઈને 18 રનથી હરાવ્યું હતું. એ મૅચમાં હાર્દિક ઊંચો શૉટ માર્યા બાદ કૅચઆઉટ થયો ત્યારે હરીફ ટીમના કૃણાલે આક્રમક અંદાજમાં સેલિબે્રશન કર્યું હતું અને હાર્દિક પાછળની દિશામાં ગુસ્સામાં જોતો જોતો પાછો ગયો હતો એવું એક વીડિયોમાં જોવા મળ્યું હતું. મૅચ દરમ્યાન બન્ને ભાઈ વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થતી નહોતી જોવા મળી અને મૅચ પછી તેમણે એકમેક સાથે હાથ મિલાવ્યા હોવાનું પણ નહોતું જોવા મળ્યું.

સંબંધો બગડ્યા હોવા વિશે સ્વાભાવિક છે કે બન્ને ભાઈમાંથી કોઈએ પણ સત્તાવાર નિવેદન નથી આપ્યું. જોકે તાજેતરના એક રૅપિડ-ફાયર ઇન્ટરવ્યૂમાં આઇપીએલ અને એના અમુક ખેલાડીઓ વિશે કૃણાલને સવાલ પૂછવામાં આવ્યા હતા. કૃણાલે ક્રિસ ગેઇલને આઇપીએલના બેસ્ટ બૅટ્સમૅન તરીકે ઓળખાવ્યો હતો તેમ જ રોહિત શર્મા તથા એમએસ ધોનીને સર્વશ્રેષ્ઠ કૅપ્ટન ગણાવ્યા હતા. કૃણાલે કીરૉન પોલાર્ડને સર્વશ્રેષ્ઠ ફીલ્ડર ગણાવ્યો હતો.

રૅપિડ-ફાયર ઇન્ટરવ્યૂમાં કૃણાલને વધુ સવાલો પૂછવામાં આવ્યા હતા જેમાં તેણે જસપ્રીત બુમરાહને બેસ્ટ બોલર, લસિથ મલિન્ગાને ડેથ ઓવરના સ્પેશ્યાલિસ્ટ બોલર, સુનીલ નારાયણ તથા રાશીદ ખાનને બેસ્ટ સ્પિનર તરીકે ઓળખાવવા ઉપરાંત વિરાટ કોહલીના શૉટ્સમાં કવર ડ્રાઇવને સર્વશ્રેષ્ઠ ગણાવી હતી અને વાનખેડે અને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને બે ફેવરિટ સ્ટેડિયમ ગણાવ્યા હતા.

કૃણાલ માટે ખરી પરીક્ષાનો સમય ત્યારે આવ્યો જ્યારે તેને બેસ્ટ મૅચ-ફિનિશર કોણ? એવું પૂછવામાં આવ્યું હતું. કૃણાલે (Krunal) પોલાર્ડની સાથે નાના ભાઈ હાર્દિક (Hardik)નું પણ નામ આપ્યું એટલે ઇન્ટરવ્યૂ લેનારના ચહેરા પર થોડો આશ્ચર્યનો ભાવ જોવા મળ્યો હતો, કારણકે બન્ને ભાઈઓ વચ્ચે ખટરાગ હોવાના અહેવાલો વચ્ચે કૃણાલે હાર્દિકને ગે્રટેસ્ટ ફિનિશર ગણાવ્યો હતો.