Mon Oct 05 2026

Logo

'ગુજ્જુ લવ ગુરુ'ના પરિવારને 2 કરોડની મદદ માટે કોણે સૌથી પહેલાં આપ્યા દોઢ લાખ ? કોણ બંધાવી આપશે ઘર ? કોણ દીકરીને ભણાવશે ?

2026-09-21 12:52:00
Author: Vimal Prajapati
'ગુજ્જુ લવ ગુરુ'ના પરિવારને 2 કરોડની મદદ માટે કોણે સૌથી પહેલાં આપ્યા દોઢ લાખ ? કોણ બંધાવી આપશે ઘર ? કોણ દીકરીને ભણાવશે ?


અમદાવાદઃ 'ગુજ્જુ લવ ગુરુ'નામથી જાણીતા બનેલા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું ગત સપ્તાહે અકસ્માતમાં મોત થયું હતું. તેઓ વાવ-થરાદમાં આવેલા સુઈગામના વતની હતા.'ગુજ્જુ લવ ગુરુ'ના પરિવારને 2 કરોડની મદદ માટે અત્યાર સુધી અનેક લોકો આગળ આવ્યા છે. જોકે નીતિન જાની એટલે કે ખજૂરભાઈએ સૌથી પહેલાં દોઢ લાખ આપ્યા હતા. આ ઉપરાંત ખજૂરભાઈએ ઘર બંધાવી આપવાની પણ જાહેરાત કરી હતી. જ્યારે કરશનબાપુ ભાદરકાએ ગુજ્જુ લવ ગુરુની દીકરીને ભણાવવાની જાહેરાત કરી હતી.

રવિવારે 'ગુજ્જુ લવ ગુરુ'નું બેસણું યોજાયું હતું. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અનેક ઈન્ફ્લુએન્સર હાજર રહ્યા હતા. ખજૂરભાઈએ કહ્યું કે, ઘણા લોકો માનતા હોય છે કે લાખો ફોલોઅર્સ ધરાવતા કલાકારો ખૂબ ધનવાન હોય છે, પરંતુ ચંદન રાઠોડની બાબતમાં એવું નહોતું. તેમણે પોતાની કમાણીનો મોટો હિસ્સો જરૂરિયાતમંદ લોકોની મદદ પાછળ ખર્ચી નાખ્યો હતો અને પરિવાર માટે કોઈ સંપત્તિ ભેગી કરી નહોતી.

ચંદનભાઈ પાછળ તેમના બીમાર માતા, વૃદ્ધ પિતા અને બે નાના બાળકો એકલા પડી ગયા છે. આ બાળકોના ભવિષ્ય અને પરિવારના આધાર માટે સાથી ઇન્ફ્લુએન્સર્સ અને ક્રિએટર્સે મળીને ફાળો એકઠો કરી 2 કરોડ ભેગા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેથી પરિવારનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે. આ ઉપરાંત પરિવારની ઘરની સ્થિતિ જોઈને નીતિન જાનીએ જાહેરાત કરી  કે તેઓ પોતાના સંપૂર્ણ ખર્ચે ચંદન રાઠોડના પરિવાર માટે નવું મકાન બનાવશે. તેમણે અન્ય કલાકારો-ક્રિએટર્સને આ કાર્યમાં માત્ર બે દિવસ શ્રમદાન આપવા અપીલ કરી હતી.

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે તેમની સ્મૃતિ કાયમી રાખવા પોતાની ગ્રાન્ટમાંથી રૂ. 5 લાખ ફાળવી પાણીની પરબ અને પક્ષીઓ માટે ચબૂતરો બનાવવાની જાહેરાત કરી હતી. જ્યારે કરશનબાપુ ભાદરકાએ  ચંદનભાઈની દીકરી જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેઓ દર વર્ષે રૂ 11,000 ની આર્થિક મદદ કરશે તેવી જાહેરાત કરી હતી.. આ ઉપરાંત અન્ય લોકોએ પણ બંને બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી.