ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી
કોઈ અકળ કારણસર ગુજરાતી ભાષાની કેટલીક કહેવતોની રચના એના અર્થથી ફંટાઈ જતી જોવા મળે છે. અણસમજમાં થયેલી રજૂઆત વારંવારના વપરાશના કારણે વ્યવહારમાં રૂઢ બની જાય છે. સાચી કહેવત જુદી હોવી જોઈએ એવો વિચાર પણ પછી નથી આવતો. એક બહુ જ જાણીતી કહેવત છે ને કે સુથારનું મન બાવળીએ. માણસનું મન પોતાની રુચિ અનુસાર વસ્તુ તરફ જ આકર્ષાય એ દર્શાવવા આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, વિચાર કરતા આ કહેવતમાં ખામી હોવાનું લાગે છે. સુથાર શબ્દનો અર્થ સુથરું (સાફસૂથરું શબ્દ જાણીતો છે) કે પછી સરખું અને વ્યવસ્થિત કરનાર એવો પણ થાય છે. એ વાત તો આપણે જાણીએ જ છીએ કે સુથારને કાયમ લાકડા સાથે પનારો પડતો હોય છે. એટલે તેને સારું કે સુથરું કરી શકાય એવું લાકડું ક્યાંથી મળશે એવા વિચાર આવતા હોય એ સ્વાભાવિક વાત ગણાય. બાવળનો ઉપયોગ ઈમારતના બાંધકામમાં નથી થતો. ખેતીના ઓજારો માટે એનું કાષ્ઠ ઘણું કામ આવે છે. સિવાય મોટેભાગે બાળવા માટે બાવળનું લાકડું વપરાતું હોય છે. સુથારનું મન બારી-બારણાં કે બીજી ઘર વપરાશની ચીજવસ્તુઓ કયા લાકડામાંથી મળી શકે એનો વિચાર વધુ કરતું હોય. એવું લાકડું મેળવવા માટે બાવળનું લાકડું ઉપયોગી સાબિત નહીં થાય એટલી સમજણ તો એને હોય જ છે. એટલે એનું મન બાવળીએ જાય એ વાત બરોબર નથી લાગતી. હવે કઠિયારાની વાત કરીએ. એને ઇમારતી લાકડાની જરૂર નથી હોતી. એ તો સહેલાઈથી મળી જાય અને બાળવામાં ઉપયોગી નીવડે એવા લાકડાની શોધમાં હોય છે. બાવળમાંથી આવું લાકડું સહેલાઈથી મળી રહે છે. એટલે સુથારનું નહીં, પણ કઠિયારાનું મન બાવળીએ હોય એવી કહેવત હોવી જોઈએ.
हिंग्लिश VINGLISH
शब्दों की LANGUAGES
ભાષા શુદ્ધતા આમ જુઓ તો સરળ બાબત છે તો એક રીતે જટિલ અથવા ગૂંચવાડો ઊભી કરતી બાબત સુધ્ધાં છે. ભાષા પર ગજબનાક પ્રભુત્વ ધરાવતા મૂળે કવિ પણ ફિલ્મોના લેખક તરીકે વધુ નામના મેળવનારા જાવેદ અખ્તરે એક કાર્યક્રમમાં બહુ જ રસપ્રદ રજૂઆત કરી છે. તેમને સવાલ કરવામાં આવ્યો કે अगर हम हिंदी जानते हैं, हम अंग्रेजी जानते हैं और दूसरी क्षेत्रीय भाषा जानते हैं और अन्य विदेशी भाषाएँ जानते हैं तो उसे शुद्ध जानने में क्या बुराई है? ભાષા શુદ્ધિમાં વાંધો શું છે એ આ ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. જાવેદ અખ્તર એમના અંદાજમાં કહે છે કે भाषा शुद्ध होती ही नहीं। भाषाएँ जीती है जब उसके दरवाजे खुले होते हैं और हर तरफ से शब्द आते हैं. भाषा ऐसी होनी चाहिए जो ज्यादा से ज्यादा लोग समजे। ભાષા શુદ્ધ હોતી જ નથી. એમાં અન્ય ભાષાઓમાંથી શબ્દો આવવા જોઈએ. ભાષા એવી હોવી જોઈએ જે વધુમાં વધુ લોકો સમજી શકે. આટલું જણાવી તેઓ એક અફલાતૂન ભાષાકીય ઉદાહરણ આપે છે. एक मकान के एक कमरे में एक गोरा चिट्टा आदमी और एक नन्हा मुन्ना बच्चा बैठे थे. बावर्ची नाश्ता लेके आया, नाश्ते में टोस्ट और उडद की दाल थी. इतने में अर्दली आया हाथ में बाल्टी लिये हुए. उसने कहा बाल्टी रखो और जाके मेरी बंदूक ले आओ. वो कमरे में अंदर गया और संदूक खोल के उसमें से एक पिस्तौल निकाला और ला के दे दिया। આટલું કહી જાવેદ અખ્તર શબ્દોની ભાષાની અજાયબીનો પટારો ખોલી જણાવે છે કે મકાન અરેબિક શબ્દ છે. કમરા ઈટાલિયન શબ્દછે તો ઉડદ તમિલ શબ્દ છે. ટોસ્ટ ટર્કીશ શબ્દ છે તો પિસ્તોલ અંગ્રેજી શબ્દ છે તો બાલ્ટી પોર્તુગિઝ શબ્દ છે. ભાષા કેવી મજેદાર બાબત છે ને.
લોકબોલીનાં રત્નો
નાસ્તો કરવો અને ભોજન લેવું એ ગુજરાતીઓને મન કેવળ એક રોજિંદો ક્રમ નથી, પણ એક આનંદનો અવસર છે. એમાં વૈવિધ્ય લાવીને કેવી રીતે મજા લેવી એમાં એ માહેર હોય છે. નાસ્તાની વરાયટી આપણા મેનુમાં જોવા મળે છે એવી ભાગ્યે જ ક્યાંક જોવા મળતી હોય છે. ભોજનમાં પણ એક જ આઈટમ અલગ અલગ રીતે બનાવવામાં આપણે પાવરધા હોઈએ છીએ. આજે એવાં કેટલાક લોકબોલીનાં રત્નો પર પ્રકાશ પાડીએ જેનો સીધો સંબંધ અન્ન સાથે છે. અટામણ શબ્દ રસોડામાં વધુ વપરાતો હોવાથી પુરુષવર્ગને એની જાણકારી હોવાની સંભાવના ઓછી છે. રોટલી વણવા માટે જે વધારાનો લોટ રાખવામાં આવે એ અટામણ તરીકે ઓળખાય છે. અગાઉના સમયમાં રસોડામાં કામ કરતી વહુને કહેવામાં આવતું કે 'અટામણ પેલા ગોળ ડબ્બામાં રાખ્યું છે, જરૂર લાગે તો લઇ લેજે.' વિસરાઈ ગયેલો બીજો શબ્દ છે અબોટણ. આપણે ત્યાં બાળકના જન્મ પછી અમુક સમય સુધી તેને માત્ર પ્રવાહી ખોરાક જ અપાય છે. બાળક છ મહિનાનું થાય ત્યારે અથવા એને આઠમો મહિનો બેસે ત્યારે એને પહેલી વાર અન્ન ખવરાવવામાં આવે છે. આ ક્રિયા અબોટણ તરીકે ઓળખાય છે. અપોસણ શબ્દ પણ મોટાભાગના લોકો નહીં જાણતા હોય અથવા ભૂલી ગયા હશે. પહેલાના વખતમાં જમવા બેઠેલા લોકોને સૌપ્રથમ એકાદ કોળિયા જેટલો ભાત અને ઘી પીરસવામાં આવતા હતા. ઘી - ભાતનો પહેલો કોળિયો અપોસણ તરીકે ઓળખાતો હતો.
સગ્ગી बहिण
टिंबाची कथा
નાનો પણ રાઈનો દાણો કહેવતથી બધા વાકેફ હશે. કોઈ વ્યક્તિ કે વસ્તુ કદમાં નાની હોય, પણ તેનું મૂલ્ય, શક્તિ કે ઉપયોગિતા ખૂબ મોટી હોઈ શકે છે એ એનો ભાવાર્થ છે. અનુસ્વાર કદમાં ઝીણકું હોય છે, પણ એ અર્થમાં મહાકાય ફરક લાવી શકે છે. કદ એટલે શરીરનો કાઠો કે બાંધો, પણ અનુસ્વાર મૂકવાથી કંદ શબ્દ બને જેનો અર્થ થાય છે એક પ્રકારનું કંદમૂળ. આ છે અનુસ્વારની તાકાત. આવું જ સામર્થ્ય મરાઠી ભાષામાં માણવા જેવું અને સમજવા જેવું છે. मराठी व्याकरण आणि लेखनात टिंब (अनुस्वार ) अत्यंत महत्त्वाचे आहे. टिंबामुळे शब्दाचा अर्थ बदलतो. उदाहरणार्थ: 'हंस' (पक्षी) आणि 'हस' (हसणे)। હંસ કહીએ તો પક્ષી સમજાય, પણ અનુસ્વાર કાઢી નાખવાથી હસ શબ્દ બને જે આનંદ વ્યક્ત કરવાની ભાવના છે. આ બાબત સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સરસ અને મનોરંજક રીતે સમજાવવામાં આવી છે. ऐका ऐका एका टिंबाची गंमत. સાંભળો, સાંભળો એક અનુસ્વારની ગંમત. एकदा एक टिंब इकडे तिकडे हिंडलं, शब्दाच्या बागेत उगीचच हुंडदलं. એક દિવસ એક અનુસ્વાર અહીંતહીં ફરવા નીકળ્યું અને શબ્દના ઉપવનમાં વિનાકારણ ધમાલ મચી ગઈ. नदीचा केला नंदी - નદીનું થઈ ગયું નંદી. નદી એટલે સરિતા - પાણીની વહેતી નદી અને નંદી એટલે શિવજીનું વાહન. माडीची केली मांडी - માડીનું થઈ ગયું માંડી. માડી એટલે તાડી જેવું પીણું અને માંડી એટલે ખોળો. बाबूचा झाला बांबू - બાબુનું થઈ ગયું બાંબુ. બાબુ એટલે કારકૂન અને બાંબુ એટલે પોલો વાંસ. अन् कुडीची झाली कुंडी - અને કુડીની થઈ ગઈ કુંડી. કુડી એટલે દેહ અથવા શરીર અને કુંડી એટલે છોડ રોપવા માટેનું કુંડુ. शेडी झाली शेंडी - શેડીનું થઈ ગયું શેંડી. શેડી એટલે સંશયાસ્પદ અને શેંડી એટલે ચોટલી. अग झाले अंग અગ થઈ ગયું અંગ. અગ એટલે સ્ત્રીને ઉદ્દેશીને કરવામાં આવતું સંબોધન અને અંગ એટલે શરીર. भाडे झाले भांडे - ભાડેનું થઈ ગયું ભાંડે. ભાડે એટલે ભાડું અને ભાંડે એટલે વાસણ. अन् रग झाला रंग - અને રગ થઈ ગયો રંગ. રગ એટલે મસ્તી અથવા જોમ અને રંગ એટલે લાલ, પીળો કે વાદળી રંગ. हिंडून हिंडून असे पार दमून गेले, वाक्याच्या शेवटी गेले अन् पूर्णविराम झाले। અનુસ્વાર અહીં તહીં ફરીને એટલું થાકી ગયું કે વાક્યની અંતે પહોંચી પૂર્ણવિરામ થઈ ગયું.