(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ પર કન્વેન્શન સેન્ટરના સંચાલનના મામલે વિવાદનું કેન્દ્ર બન્યા હતા. નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) તેમજ પૂર્વ પ્રોફેસરોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે કુલસચિવે યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગને બદલે તમામ સત્તા પોતાની પાસે રાખીને આર્થિક ગેરરીતિ આચરી છે તેમજ છેલ્લા વર્ષના બુકીંગ અને ઓડિટ કરવાની માંગ કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરના સંચાલનને લઈને કુલસચિવ પિયુષ પટેલ ગંભીર વિવાદમાં સપડાયા છે. એનએસયુઆઈએ આક્ષેપ કર્યો હતો કે, સેન્ટરનું કોઈ નક્કી ભાડું રાખવામાં આવ્યું નથી; ભાડાની અમુક રકમ આરટીજીએસ દ્વારા જમા થાય છે, જ્યારે બાકીની રકમ કુલસચિવ રોકડમાં સ્વીકારતા હોવાનો દાવો કરાયો હતો. આ ઉપરાંત, પૂર્વ પ્રોફેસરોએ આક્ષેપ કર્યો હતો કે મુખ્ય હોદ્દો ધરાવવા છતાં તેઓ સેન્ટરના હવાલા પેટે અલગથી મહેનતાણું અને ચાર્જ એલાઉન્સ મેળવી રહ્યા છે.
બીજી તરફ, સેન્ટરના સમારકામ પાછળ થયેલા રૂ. 30 કરોડના તોતિંગ ખર્ચમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સેવાઇ રહી છે. આ મામલે એનએસયુઆઈ દ્વારા છેલ્લા એક વર્ષના બુકિંગ અને હિસાબોના સ્પેશિયલ ઓડિટની માંગ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગના અધિકારી શૈલેષ ગોસ્વામીએ સ્વીકાર્યું હતું કે તેમને સેન્ટરના ભાડા અંગે કોઈ જાણકારી નથી અને તમામ નિર્ણયો કુલસચિવ પોતે જ લે છે.