Tue Oct 06 2026

Logo

ગુજરાતમાં સ્ટાફ નર્સની ભરતીમાં કૌભાંડ? નાપાસ ઉમેદવાર પાસે નિમણૂક પત્ર મળ્યાનો દાવો!

2026-03-14 18:24:00
Author: Devayat Khatana
ગુજરાતમાં સ્ટાફ નર્સની ભરતીમાં કૌભાંડ? નાપાસ ઉમેદવાર પાસે નિમણૂક પત્ર મળ્યાનો દાવો!

ગાંધીનગર: ગુજરાતમાં વધુ એક ભરતીમાં ગેરરીતી થઇ હોવાના આક્ષેપ થયા છે.  ગુજરાતમાં નકલી કચેરી અને અધિકારીઓ બાદ હવે સ્ટાફ નર્સ વર્ગ-૩ની ભરતીમાં નકલી નિમણૂક પત્રનું મોટું કૌભાંડ સામે આવ્યું હોવાના આક્ષેપ થયા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે કે ૧૯૦૩ જગ્યાઓ માટે ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોને પણ નિમણૂક પત્રો મળી રહ્યા છે. 

ફરી એકવાર સરકારી ભરતીમાં થયેલી ગેરરીતીના આક્ષેપની ઘટનાએ અગાઉ ગુજરાત પોલીસ ભરતીમાં થયેલ કુખ્યાત 'મયુર તડવી' કાંડની યાદ અપાવી દીધી છે, જેમાં નકલી દસ્તાવેજોના આધારે ટ્રેનિંગ લેવામાં આવી હતી. ૫૩,૫૦૦ થી વધુ ઉમેદવારોએ આપેલી આ પરીક્ષામાં શરૂઆતથી જ પ્રશ્નપત્રની પેટર્ન બાબતે વિવાદો સર્જાયા હતા, છતાં પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી.


યુવરાજસિંહના આક્ષેપ અનુસાર, આ સમગ્ર કૌભાંડમાં શિવાનીબેન ભરતભાઈ ડાકી નામની ઉમેદવારનો કિસ્સો ચર્ચામાં છે. આ ઉમેદવાર પાસે આરોગ્ય વિભાગનો સત્તાવાર દેખાતો નિમણૂક પત્ર છે અને તેઓ જૂના સચિવાલયમાં ઓફિસ બહાર ફોટા પડાવતા પણ જોવા મળ્યા છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે જ્યારે સત્તાવાર મેરિટ લિસ્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે તેમનું નામ પાસ થયેલા ઉમેદવારોની યાદીમાં ક્યાંય નથી, પરંતુ તેઓ 'ડિસ્ક્વોલિફાઈડ' એટલે કે નાપાસ ઉમેદવારોની યાદીમાં નોંધાયેલા છે. પરીક્ષામાં ફેલ હોવા છતાં તેમની પાસે વિભાગના લોગો અને સહી-સિક્કાવાળો ઓર્ડર ક્યાંથી આવ્યો તે તપાસનો વિષય બન્યો છે તેમ યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો.