અમદાવાદઃ પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રાજ્યભરના શિવમંદિરોમાં ભક્તોએ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અમદાવાદ- સુરત શહેરના તમામ નાના-મોટા શિવાલયો 'હર હર મહાદેવ' અને 'ઓમ નમઃ શિવાય' ના ગુંજતા નાદથી ગુંજ્યા હતા. મોટાભાગના મંદિરોમાં શ્રાવણના અંતિમ સોમવાર નિમિત્તે મહાદેવને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. નિર્ણય નગર ખાતે ઉંચા શિવલિંગને શણગારવામાં આવ્યું હતું. શહેરના પૌરાણિક શિવમંદિરોમાં પણ ભક્તોની ભીડ જામી હતી.
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં પણ ભક્તો શિવભક્તિમાં લીન થયા હતા. સવારે 4 કલાકથી મંદિર પરિસરમાં ભક્તો માટે પ્રવેશ દ્વાર ખોલવામાં આવ્યા હતા. શ્રાવણીયા સોમવારે ભોળાનાથની નિશ્રામાં શિવધૂન કરી ભક્તિનું ભાથુ ભાવિકોએ બાંધ્યું હતું. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હજારોની સંખ્યામાં ભક્તો શ્રાવણના અંતિમ સોમવારના પ્રથમ દર્શન કરવા મહાદેવ ના શરણે આવ્યા હતા. સોમનાથ મંદિર અને પ્રભાસ તીર્થ વહેલી સવારથી હર હર શંભુના નાદથી ગુંજ્યું હતું. અહીંની વ્યવસ્થાને કારણે યાત્રીઓ માટે એક સુંદર અનુભવ રહ્યો હતો. સમગ્ર શ્રાવણ માસમાં યાત્રીઓને ક્લોકરૂમ, જૂતાઘર, વોશરૂમ, પાણીના પરબ સહિતની પ્રાથમિક જરૂરિયાતો ઉત્તમ રીતે પૂરી પાડીને સ્ટેમ્પેડ પ્રૂફ દર્શન વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હોવાનું યાત્રીઓએ જણાવ્યું હતું.

ભાવનગર શહેરના જશોનાથ મહાદેવ તથા બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ ભક્તો દર્શન, પૂજા-અર્ચના અને જળાભિષેક કરવા માટે પહોંચ્યા હતા. ભક્તોએ ભગવાન શિવને બિલ્વપત્ર, પુષ્પ તથા વિવિધ પૂજા સામગ્રી અર્પણ કરી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ભાવનગરના ઘોઘામાં આવેલ ૧૦૫ વર્ષ પૌરાણિક શ્રી બાળ મહાદેવનાથ મહાદેવ મંદિર ખાતે ભાવનગરથી સમાજના આગેવાન ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસના અંતિમ સોમવારને લઈ શિવભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

મંદિરોમાં હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. કચ્છમાં પણ લોકોએ ભાવભેર ભોળાનાથની ભક્તિ કરી હતી. રાજકોટના આરાધ્ય દેવ રામનાથ મહાદેવની 103મી પાલખી યાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી
સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં આવતા તહેવારો અને લોકમેળાનું ખાસ મહત્વ છે, ત્યારે તહેવારો અર્થવ્યવસ્થાનો પણ એક મહત્વનો ભાગ સાબિત થાય છે.