(મુંબઈ સમાચાર ટીમ)
ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં વહીવટી તંત્ર દ્વારા 38,653 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 5547 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
NDRF અને SDRFની 49 ટીમો તૈનાત
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લાઓમાં NDRF અને SDRFની 49 ટીમો તૈનાત કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે ભારતીય સેના ની 2-2 ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે.
વડોદરા ખાતે એરફોર્સની ટીમ દ્વારા નાગરિકોનું રેસ્ક્યૂ
તેમજ વડોદરા ખાતે એરફોર્સની ટીમ દ્વારા નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે, જ્યારે કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા નવસારી, વલસાડ અને તાપીના વિસ્તારોમાં એરિયલ સર્વેની કામગીરી ચાલી રહી છે. કોસ્ટ ગાર્ડ દ્વારા બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોને બચાવવાની કામગીરી પણ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.
વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ
જ્યારે બીજી તરફ વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાભર, અરવલ્લીના ધનસુરા, અમરેલીના લીલિયા અને પાટણના સાંતલપુર તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.