Mon Aug 17 2026

Logo

બ્રેઈન ડેડ પેશન્ટના અવયવદાન-પ્રત્યાર્પણમાં ગુજરાત ચોથા ક્રમે, પરંતુ હજુ આપણે ઘણા પાછળ

2026-08-04 19:52:00
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ અવયવ દાનનું મહત્વ સમજવા છતાં પણ લોકો ઝટથી પોતાના સ્વજનોના અવયવો દાન કરવા તૈયાર થતા ન હતા, પરંતુ છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં અવયવ દાન કરનારા લોકોની સંખ્યા વધી છે, જે આનંદની વાત છે. ગુજરાત દેશભરમાં બ્રેઈન ડેડ પેશન્ટ્સના અવયવો મેળવવામાં દેશમાં ચોથા ક્રમાંકે છે, તેમ એક અહેવાલ જણાવે છે. 

2025માં, 152 બ્રેઈન ડેડ દર્દીઓમાંથી 456 અંગો મેળવવામાં આવ્યા હતા, જેને કારણે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે ચોથા ક્રમે હતું, તમિલનાડુ (804), તેલંગાણા (601) અને કર્ણાટક (575) પછી, તેમ નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન (નોટો) દ્વારા સોમવારે જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે.

અહેવાલ અનુસાર બ્રેઈન ડેડ અંગ દાતાઓની સંખ્યા 2024 માં 119 થી વધીને 2025 માં 152 થઈ ગઈ છે. આ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે લાવવામાં આવેલી જનજાગૃતિ અને ડોનેશન સેન્ટરના વધતા નેટવર્કને કારણે આ શક્ય બન્યું છે. 

નોટોના ડેટા અનુસાર, ગુજરાતમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા અંગોમાં 96% કિડની અને લીવરનો સમાવેશ થાય છે. કુલ 1,379 અંગ ટ્રાન્સપ્લાન્ટમાંથી, 1,099 કિડની, 229 લીવર, 36 હૃદય, છ ફેફસાં અને નવ સ્વાદુપિંડ હતા. ગુજરાત હૃદય ટ્રાન્સપ્લાન્ટમાં ત્રીજા ક્રમે અને સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટમાં બીજા ક્રમે રહ્યું છે. નોટો અનુસાર, 2025 માં, ગુજરાતમાં 15 વિદેશી નાગરિકોએ અંગ પ્રત્યારોપણ કરાવ્યું, જે ભારતમાં સાતમા ક્રમે સૌથી વધુ છે.

ગુજરાતની ત્રણ હૉસ્પિટલને અવયવ પ્રત્યાર્પણના ક્ષેત્રમાં સારા કામ માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા જ વંદેભારત એક્સપ્રેસને ખાસ અંકલેશ્વર ઊભી રાખવામાં આવી હતી અને અહીં રિટ્રાઈવ કરેલા હૃદયને અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. 

ડ઼ોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા અમુક વર્ષોમાં લોકો પોતાના બ્રેઈનડેડ સ્વજનના અવયવો દાન કરતા થયા છે, પંરતુ હજુ ઘણી જનજાગૃત્તિની જરૂરિયાત છે. તેમના જણાવ્યા અનુસાર આપણા દેશમાં આજના દિવસે પણ સરેરાશ 12 લાખ વ્યક્તિએ એક વ્યક્તિ અવયવદાન કરે છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા અવયવદાન માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ દરેક રાજ્યોમાં હજુ લોકોમાં જાગૃત્તિ આવે અને તેઓ તેમના બ્રેઈનડેડ સ્વજનના અવયવો દાન કરવા આગળ આવે તે દિશામાં કામ કરવાની જરૂર છે. જો આમ થશે તો હજારો લોકોના જીવન બચાવી શકાશે.