અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની ઋતુ જામી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા અનુસાર, ગઈ કાલે સાવેર 06:00 વાગ્યાથી આજે સવારે 06:00 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન રાજ્યના 159 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડ્યા છે.
વલસાડ અને નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકના આંકડા મુજબ વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. વલસાડ તાલુકામાં સૌથી વધુ 87 મીમી (3.43 ઇંચ) વરસાદ ખાબક્યો છે. વલસાડના નાનાપોંઢામાં 69 મીમી (2.72 ઇંચ), કપ્રાડામાં 43 મીમી (1.69 ઇંચ) અને ધરમપુરમાં 35 મીમી (1.38 ઇંચ) વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના ખેરગામમાં 72 મીમી (2.83 ઇંચ) અને વાંસદામાં 31 મીમી (1.22 ઇંચ) વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર
ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો પાલનપુરમાં 2.44 ઇંચ, ડીસા તાલુકામાંમાં 1.69 ઇંચ અને દાંતા તાલુકામાં 1.50 ઇંચ) વરસાદ થયો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો ધંધુકા તાલુકામાં 1.97 ઇંચ અને ધોલેરા તાલુકામાં 1.65 ઇંચ વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકામાં 1.81 ઇંચ અને વીરપુર તાલુકામાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં 1.57 ઇંચ વરસાદ થયો છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સુરતના બારડોલી, પલસાણા, ઓલપાડ, બોટાદ, ડાંગના આહવા તથા વઘઈ, પંચમહાલ જિલ્લાના ગોધરા અને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા સહિતના તાલુકાઓમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. વરસાદને કારણે ખેતીના પાકને નવું જીવન મળતાં ખેડૂતોમાં આનંદનો વાતાવરણ છવાયો છે.