Tue Oct 06 2026

Logo

ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવ: ફેન્સી નંબર પ્લેટવાળા ૪ હજાર વાહનો ડિટેઇન, રૂ. ૫૮ લાખથી વધુ દંડ વસૂલાયો

2026-09-22 14:31:00
Author: Mayur Patel
ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવ: ફેન્સી નંબર પ્લેટવાળા ૪ હજાર વાહનો ડિટેઇન, રૂ. ૫૮ લાખથી વધુ દંડ વસૂલાયો

ગાંધીનગરઃ રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ તા. ૧લી સપ્ટેમ્બરથી તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધી નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી અથવા અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે એક વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 

આ વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હેઠળ તા. ૧ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કુલ ૧૮,૦૧૪ કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના કિસ્સાઓમાં કુલ ૪,૧૮૭ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ આ સઘન ઝુંબેશ દરમિયાન કુલ રૂ. ૫૮.૫૬ લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.

આ ઝુંબેશ અંતર્ગત વાહન વ્યવહાર સુરક્ષિત બનાવવા અને નિયમ વિરુદ્ધ વાહનો ચલાવતા તત્વો પર કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. 

આ ઝુંબેશ અંતર્ગત સુરત શહેરમાં ૧,૭૮૬, વડોદરા શહેરમાં ૧,૯૫૯ અને બનાસકાંઠામાં ૧,૩૬૩ કેસ કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડાની કડક સૂચના બાદ તમામ જિલ્લાઓ અને શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસ.પી  વી. સાહિત્યા દ્વારા તમામ વાહનચાલકોને તેઓ પોતાના વાહનો પર નિયમાનુસાર સ્પષ્ટ અને દેખાય તેવી જ નંબર પ્લેટ લગાવે તેવો અનુરોધ કરાયો છે.  નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ વિશેષ ઝુંબેશ વધુ કડકાઈથી ચાલુ રહેશે.