Sat Apr 18 2026

Logo

ગુજરાત પોલીસની ‘સાયબર સ્ટ્રાઈક’: દેશની ૧૫ બેંકોને ચૂનો લગાવતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

2026-04-18 19:36:38
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાત પોલીસના 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા દેશભરની ૧૫થી વધુ બેંકોને નિશાન બનાવી અંદાજે ૨૧૦ કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ આચરતી એક હાઈ-ટેક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ ગેંગે બેંકિંગ સોફ્ટવેરની ખામીઓનો ફાયદો ઉઠાવીને માત્ર એક જ રાતમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાંથી ૭ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં કુલ ૭ આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે માસ્ટરમાઇન્ડની શોધખોળ હજુ ચાલુ છે. તપાસમાં ખૂલ્યું હતું કે આ સિન્ડિકેટ અત્યાર સુધીમાં દેશભરના ૨૭૩ સાયબર ક્રાઈમ કેસોમાં સંડોવાયેલી છે.

મળતી વિગતો અનુસાર, પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આ ગેંગનું મુખ્ય હથિયાર બેંકો દ્વારા વપરાતા 'કોર બેંકિંગ સર્વિસીસ' સોફ્ટવેરની ટેકનિકલ ખામી હતી. આરોપીઓએ હોળીના તહેવાર દરમિયાન ભાવનગરની બેંકના સિસ્ટમમાં ઘૂસીને ૭.૩૪ કરોડ રૂપિયાની વર્ચ્યુઅલ ક્રેડિટ જનરેટ કરી હતી. સૌથી પહેલા તેઓ નિષ્ક્રિય બેંક ખાતાઓ શોધી કાઢતા અને તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલીને ખાતા પર કબજો જમાવતા હતા. ત્યારબાદ, આ નાણાંને ટ્રેસ કરવા મુશ્કેલ બને તે હેતુથી, સામાન્ય લોકો પાસેથી ભાડે મેળવેલા ૧૩૫ જેટલા અલગ-અલગ બેંક ખાતાઓમાં વહેંચી દેવામાં આવ્યા હતા.

આ ગેંગનું નેટવર્ક ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં ફેલાયેલું હતું. ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલા દરોડામાં ૯ પાસબુક, ૩૯ ડેબિટ કાર્ડ અને ૧૨ ચેકબુક જપ્ત કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ફ્રોડની રકમમાંથી ૨.૦૪ કરોડ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે તેમજ પોલીસ હવે આ કેસના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને અન્ય મોટા માથાઓની સંડોવણી અંગે ઊંડી તપાસ કરી રહી છે, તેમ પોલીસે જણાવ્યું હતું.