Fri Aug 21 2026

Logo

ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો; જાણો કયા વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

2026-08-21 08:32:51
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં બાદ હવે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વધવાની શક્યતા સેવાઈ રહી છે.  રાજ્યમાં વેલમાર્ક લો પ્રેશર અને મોનસૂન ટ્રફ સક્રિય થવાને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની અગત્યની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમની અસર હેઠળ અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.  આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો નહોતો. વસોમાં સૌથી વધારે 0.43 ઇંચ વરસાદ પડ્યો હતો. ગરબાડામાં 0.39 ઇંચ, ડાંગમાં 0.31 ઇંચ, મહેમદાબાદમાં 0.31, જેતપુરમાં 0.24 ઇંચ વરસાદ પડ્યો હતો.

આજે ક્યાં છે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ પવન સાથે છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત, આગામી 24થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર અને પ્રમાણ વધવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે. રાજ્યમાં અત્યાર સુધી  ચોમાસાની સિઝનનો સરેરાશ 20.4 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સામાન્ય વરસાદના આંકડા કરતાં 3 ટકા ઓછો છે. વિસ્તારવાર સ્થિતિ જોઈએ તો, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સામાન્ય કરતાં 27 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 

રાજ્યમાં કેટલો પડ્યો છે વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 21 ઈંચ એટલે કે સિઝનનો 75 ટકા જેટલો વરસાદ જ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 3 ટકા ઓછો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આગાહી કરી છે કે ગુજરાતમાં વેલ માર્ક લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવા છતાં આગામી 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી.

અંબાલાલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, મોસમી પેરામીટરો પ્રતિકૂળ હોવાથી ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. હાલમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાંથી ભેજ ખેંચાવાથી વરસાદ ખેંચાયો છે. જો કે, દક્ષિણાવર્તી સિસ્ટમો સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24થી 30 ઓગસ્ટ વચ્ચે વરસાદ વરસી શકે છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.