Thu Jul 23 2026

Logo

છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ વરસાદ, રાજ્યમાં આ તારીખથી જામશે ચોમાસું

2026-06-29 08:34:00
Author: Mayur Patel
Article Image

Ai Image


અમદાવાદઃ ગુજરાત પર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ એક સાથે ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 2 અને 3 જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. હાલ રાજ્યમાં ચોમાસાની ગતિ ભલે ધીમી હોય પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના જણાવ્યા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભાવનગરના જેસરમાં 0.63 ઇંચ, ઉમરગાંવમાં પણ 0.63 ઇંચ, ખાંભામાં 0.12 ઇંચ, રાણપુરમાં 0.12 ઇંચ, ડાંગમાં 0.08 ઇંચ, ઝાલોદમાં 0.04 ઇંચ, સંખેડામાં  0.04 ઇંચ તથા બોટાદમાં 0.04 વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં આ તારીખથી જામશે ચોમાસું

રાજ્યમાં આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને થરાદ પંથકમાં વરસાદની સંભાવના છે, જ્યારે પાટણ, અરવલ્લી અને પંચમહાલમાં પણ છૂટાછવાયા ઝાપટાં પડશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળશે. રાજ્યમાં 2 જુલાઈથી ચોમાસું જામશે. હવામાન કેન્દ્ર અમદાવાદ મુજબ, 2 થી 4 જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. 

માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાતથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેથી માછીમારોને દરિયો  ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે પવનની ગતિ વધશે અને 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

અસહ્ય ગરમી અને બફારો

રાજ્યમાં એકતરફ વરસાદી માહોલ બંધાઈ રહ્યો છે તો બીજી તરફ નાગરિકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે. IMD અનુસાર, અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મધ્યપ્રદેશ આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને પંજાબથી બિહાર સુધીનો સિઝનલ ટ્રફ સક્રિય છે. આ સિસ્ટમોના પ્રભાવથી આગામી સાત દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. સુરત, ડાંગ, તાપી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે, જ્યારે નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સારો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ સહિત અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદી ઇનિંગ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતો હવે વાવણીલાયક વરસાદની આશા રાખી રહ્યા છે.