Wed Jul 01 2026

Logo

ગુજરાતમાં ક્યાંક વરસાદી ઝાપટાં તો ક્યાંક ૩૫ ડિગ્રી પાર ગરમીનો પારો!

2026-02-21 08:32:15
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ/મુંબઈ: ફાગણ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં ત્રણે સિઝનની અસર એલસાથે જોવા મળી રહી છે. ક્યાંક ઠંડી, ક્યાંક ગરમી તો ક્યાંક કમોસમી વરસાદ. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત અને મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. એક તરફ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સુરત, વડોદરા અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં માવઠાએ લગ્નપ્રસંગોની મજા બગાડી હતી, તો બીજી તરફ રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનો પારો ઊંચકાયો છે. રાજકોટ ૩૫.૩ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા ન્યુનત્તમ અને મહત્તમ તાપમાનની વાત કરી તો, અમદાવાદમાં મહત્તમ 31.4 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ 20.5 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં મહત્તમ 32.7 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ 17.2 મહત્તમ, વડોદરામાં મહત્તમ 31.8 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ 21.4 ડિગ્રી સેલ્સિયસ,  ભાવનગરમાં મહત્તમ 31 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ 22.4 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં મહત્તમ 30.8 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ 19.4 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં મહત્તમ 34 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ 15.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં મહત્તમ 35.3 ડિગ્રી સેલ્સિયસ અને 19.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 


જો મહારાષ્ટ્રના હવામાનની વાત કરવામાં આવે તો, ફેબ્રુઆરી મહિનો તેના અંતિમ તબક્કે પહોંચતા જ મહારાષ્ટ્રના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, રાજ્યના કેટલાક ભાગોમાં જ્યાં આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યાં જ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે.

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાઈ રહ્યું છે. આગામી 24 કલાકમાં મુંબઈમાં સવારે હળવું ધુમ્મસ રહેવાની શક્યતા છે, જ્યારે બપોર પછી આકાશ ચોખ્ખું રહેશે. જોકે, ચિંતાની વાત એ છે કે તાપમાનમાં વધારો થશે; મુંબઈનું મહત્તમ તાપમાન 34°C અને લઘુત્તમ તાપમાન 23°C રહેવાનું અનુમાન છે, જેના કારણે મુંબઈગરાઓએ વધતી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

ગઇકાલે ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરત, અંકલેશ્વર, હાંસોટ, દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળ્યા હતા. અમુક જિલ્લામાં સારો એવો કમોસમી વરસાદ શરૂ થતાં લગ્નપ્રસંગોમાં મુશ્કેલી ઊભી થઈ હતી. સુરત ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. વડોદરા , દાહોદ સહિત અનેક શહેરોના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો.