Wed Jul 01 2026

Logo

ગુજરાતને વેડિંગ ડેસ્ટિનેશન બનતા રોકી રહી છે દારૂબંધી, 1500 કરોડના વેડિંગ બિઝનેસ પર રાજસ્થાનનો કબજો

2026-02-21 09:44:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્ય સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં ગુજરાતને વૈભવી અને સંસ્કૃતિથી સમૃદ્ધ લગ્ન સ્થળ તરીકે સ્થાપિત કરવા “વેડ ઇન ગુજરાત” કેમ્‍પેઇન માટેના આયોજનની જાહેરાત કરી હતી. એકતરફ ગુજરાતમાં દારૂબંધી છે, પણ રાજ્ય સરકારને હેલ્થ લિકર પરમિટ ફી પેટે થતી આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ગુજરાત વિધાનસભામાં જાહેર થયેલી વિગત પ્રમાણે, 2024-2025ના સમયગાળામાં રાજ્યને કુલ રૂ. 7,88,68,000 ની આવક થઈ હતી. જ્યારે 21 જાન્યુઆરી 2025થી 20 જાન્યુઆરી 2026 સુધીના સમયગાળામાં આ આવક વધીને રૂ. 8,63,15,000 પર પહોંચી ગઈ હતી. આમ, માત્ર એક જ વર્ષમાં પરમિટ ફીની આવકમાં અંદાજે 74 લાખ રૂપિયાથી વધુનો વધારો નોંધાયો હતો.ગુજરાત સરકાર રાજ્યને વેડિંગ  અને ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવા માંગે છે. પરંતુ ગુજરાતમાં દારૂબંધીના કારણે  લગભગ 500 શાહી લગ્નો રાજસ્થાનમાં યોજાય છે. જેના કારણે રાજ્યને  વેડિંગ બિઝનેસમાં દર વર્ષે અંદાજે રૂ. 1,500 કરોડનું નુકસાન થાય છે.

5 વર્ષમાં 5000 રૂમો ઉમેરાશે


2030માં કોમનવેલ્થ ગેમ્સ  અને 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અમદાવાદમાં યોજાવા જઈ રહી છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી ચાર-પાંચ વર્ષમાં 4,000 થી 5,000 ફોર-સ્ટાર અને ફાઈવ-સ્ટાર રૂમ ઉમેરાય તેવા હોટેલ પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત છે. પરંતુ હોટેલ માલિકો અને લિકર શોપના માલિકોનું કહેવું છે કે, નશાબંધી વિભાગ પોતે ડિજિટલ થઈ ગયો હોવા છતાં તેના નિયમો હજુ પણ જૂના જમાનામાં અટવાયેલા છે.

NRI અને NRG  ને પડે છે આ મુશ્કેલી

સૂત્રોના જણાવ્યા મુજબ સૌથી મોટી મુશ્કેલી NRI અને NRG  એ ગુજરાતમાં આવ્યાના પાંચ દિવસમાં જ લાયસન્સ ધરાવતી લિકર શોપની મુલાકાત લેવી પડે તે નિયમ છે. જો તમે આ સમયમર્યાદા ચૂકી જાઓ, તો પછી તમે ભલે ગમે તેટલા મહિના ગુજરાતમાં રોકાવાના હોવ, તમને પરમિટ મળી શકતી નથી. અન્ય રાજ્યોના પ્રવાસીઓની હાલત પણ આવી જ છે. તેમને માત્ર સાપ્તાહિક પરમિટ મળે છે, જે જે-તે જિલ્લામાં જ રિન્યુ કરાવી શકાય છે.

લિકર શોપ માલિકાના કહેવા પ્રમાણે, અમારી પાસે દરરોજ એવા કિસ્સાઓ આવે છે જેમાં NRI/NRG પાંચ દિવસમાં પહોંચી શકતા નથી અને પરિણામે આખા રોકાણ દરમિયાન તેમને પરમિટ વગર રહેવું પડે છે. જોકે, વિદેશી નાગરિકો માટે આવું નથી. આ નિયમને કારણે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે દારૂ મેળવવા પ્રેરાય છે. આ ડિજિટલ યુગમાં બ્રિટિશ કાળના જૂના નિયમોનો કોઈ તર્ક નથી, જેના કારણે દુકાનદારો અને સરકાર બંનેને આવકનું નુકસાન થાય છે.

વેડિંગ બિઝનેસમાં રૂ. 1,500 કરોડનું નુકસાન

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ નિયમો રાજ્યના વેડિંગ માર્કેટને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું, ગુજરાતને વેડિંગ બિઝનેસમાં સરેરાશ 1,500 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. લગ્નની સિઝનમાં આશરે 500 જેટલા મોટા શાહી લગ્નો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં જાય છે. આનું મુખ્ય કારણ દારૂબંધી છે.  ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં અપાયેલી છૂટછાટને આવકારીએ છીએ, પરંતુ NRI, NRG અને અન્ય રાજ્યોના મુલાકાતીઓ માટે પણ નિયમો હળવા કરવા જોઈએ. આનાથી લગ્ન, હોટેલ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ જેવી સંલગ્ન ઉદ્યોગોને પણ વેગ મળશે.