Thu Jul 02 2026

Logo

ગુજરાતમાં બુધવારે સૌથી મોટું 3.90 લાખ કરોડનું બજેટ રજૂ થવાની શક્યતા, 2030 કોમનવેલ્થ ગેમ્સ પર ખાસ ભાર...

2026-02-17 21:17:00
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બુધવારે તા, 18 ફેબ્રુઆરીએ રાજ્યનું વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ થવા જઈ રહ્યું છે. રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ વિધાનસભામાં પાંચમી વખત બજેટ રજૂ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતનું બજેટ ‘ફુલ ગુલાબી’ રહે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. તેની સાથે સાથે વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી માળખાગત સુવિધાઓ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મુકાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.આશરે 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ થઈ શકે છે

કનુભાઈ દેસાઈ આ વર્ષે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગત વર્ષની સરખામણીએ અંદાજે 15 ટકા વધારા સાથે આશરે 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ થઈ શકે છે. નાણાં વિભાગે બજેટ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચાડી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રજૂ થનાર આ અંદાજપત્રમાં શહેરો અને નગરપાલિકાઓ માટે વિશેષ ગ્રાન્ટ, માર્ગ-મકાન, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને સ્માર્ટ સુવિધાઓ માટે મોટા ફાળવણીના સંકેત છે. અર્બન ડેવલપમેન્ટ વિભાગને વધારાનો ફાળો મળવાની શક્યતા છે.

વિશેષ યોજનાઓની જાહેરાત થવાની સંભાવના

આ સાથે જ વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ અપગ્રેડેશન, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી અને હોટેલ-ટુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય જોગવાઈઓ થઈ શકે છે. રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોજેક્ટ કરવા અને રોકાણ આકર્ષવા માટે વિશેષ યોજનાઓની જાહેરાત થવાની સંભાવના છે.

તે ઉપરાંત મધ્યમ વર્ગ, નાના વેપારીઓ અને ખેડૂતો માટે ખાસ રાહતની જાહેરાતો થવાની આશા છે. રોજિંદા જીવનને સરળ બનાવતી યોજનાઓ, સબસિડી, હાઉસિંગ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવી પહેલો જાહેર થવાની શક્યતા છે. ‘ઘર-ઘર સુધી સરકાર’ના સૂત્રને અનુરૂપ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર અને ડિજિટલ સેવાઓના વિસ્તરણ પર પણ ભાર મૂકાઈ શકે છે.

ગુજરાત સરકારે સતત વધતા કદ સાથે બજેટ રજૂ કર્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 25 વર્ષમાં ગુજરાત સરકારે સતત વધતા કદ સાથે બજેટ રજૂ કર્યા છે. રાજ્યની આર્થિક વૃદ્ધિ, ઔદ્યોગિક રોકાણ અને કૃષિ વિકાસને ધ્યાનમાં રાખીને બજેટનું કદ દર વર્ષે વિસ્તરતું ગયું છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે અંદાજે 15 ટકાનો વધારો નોંધાઈ શકે છે, જેને કારણે આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ સાબિત થઈ શકે છે.