Tue Oct 06 2026

Logo

કિંજલ રબારી કેસ,પાટણના સીનાડ ગામમાં પોલીસ પર હુમલા મામલે 10ની અટકાયત

2026-09-08 22:41:57
Author: Mumbai Samachar Team
કિંજલ રબારી કેસ,પાટણના સીનાડ ગામમાં પોલીસ પર હુમલા મામલે 10ની અટકાયત

પાટણ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામે લોકગાયિકા કિંજલ રબારીના અપહરણનો મામલો વકર્યો છે. કિંજલ રબારી તેના પૂર્વ પતિ અશોક ચૌધરી સાથે ગયા બાદ અપહરણની અફવાઓ વચ્ચે વીડિયો અને પત્ર સોશિયલ  મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તેણે પોતાની મરજીથી પતિ સાથે ગયા હોવાનું કબૂલ્યું હતું. બંને વિદેશ ચાલ્યા ગયાની ચર્ચાઓ વચ્ચે ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો

આ ઘટનાની જાણ થતાં જ સ્થિતિ થાળે પાડવા માટે રાધનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ. વી. ચૌધરી પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહેલી પોલીસ ટીમ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લઈને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રાધનપુરના પીએસઆઈ એચ. વી. ચૌધરીના હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હુમલામાં સામેલ આરોપીઓની સામે કાર્યવાહી કરતા 10 લોકોની અટકાયત કરી છે. 

 હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા

જેમાં અટકાયત કરાયેલા લોકોમાં જગદીશભાઈ ઈશ્વરભાઈ રબારી, લખાભાઈ ખોડાભાઈ રબારી, ભરતભાઈ પેથાભાઈ રબારી, લક્ષ્મણભાઈ વિઠ્ઠલભાઈ રબારી, વિરાટ ઉર્ફે ધવલભાઈ મોમાભાઈ રબારી, વિજયભાઈ ઈશ્વરભાઈ મશરૂભાઈ રબારી, કિરણકુમાર શંકરભાઈ બીજલભાઈ રબારી, મોતીભાઈ રણછોડભાઈ લક્ષ્મણભાઈ રબારી, ચોગેશભાઈ શંકરભાઈ બીજલભાઈ દેસાઈ, સહારાભાઈ જયમલભાઈ વિજલભાઈ દેસાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસ પર હુમલો કરનારા બાકીના તમામ હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સતત નજર રાખી રહી છે

સિનાડ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે. તણાવ વધતા પોલીસે ગામમાં કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલસીબી અને એસઓજી સહિતનો મોટો પોલીસ કાફલો સિનાડ ગામે ખડકી દેવામાં આવ્યો છે.