અમદાવાદ: ગત મે મહિનામાં સુરતના નાસિરનગરમાં અંદાજે 150 જેટલા મકાનો જમીનદોસ્ત કરી દેવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આવડા મોટા ડિમોલિશન બાદ કોઇપણ સત્તાધિકારી તેની જવાબદારી લેવા તૈયાર ન હોવાથી હાઇકોર્ટે રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ પાવરને આકરા સવાલો કર્યા હતા. નોટિસ કે ડિમોલેશન ઓર્ડર વગર જ બુલડોઝર ફેરવી દેવાયાના આક્ષેપ સાથે સ્થાનિકોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે, જ્યાં જસ્ટિસ નિખિલ કરિયલે મૌખિક અવલોકન કરતા જણાવ્યું હતું કે, કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના એક સિંગલ મકાનનું ડિમોલેશન પણ સાંખી શકાય નહીં.
હાઇકોર્ટે વિસ્થાપિત થયેલા પરિવારોના પુનઃવસન માટે સુરત કોર્પોરેશનને આગામી સોમવાર સુધીમાં ચોક્કસ પ્લાન રજૂ કરવા આદેશ આપ્યો હતો. કોર્ટે આકરા વલણ સાથે જણાવ્યું હતું કે, ‘અમારી પાસે રહેવાની વ્યવસ્થા નથી તેવી દલીલો હું સાંભળીશ નહીં, જરૂર પડે તો ટેન્ટ ભાડે રાખો... જેનો વાંક હશે તેની સામે કડક પગલાં ભરાશે.’ કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે જો આ કોઈ સત્તાવાર ડિમોલેશન નહોતું, તો પછી ત્યાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સ્તરના અધિકારી અને પાલિકાના કર્મચારીઓ શા માટે હાજર હતા?
સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સરકારી વકીલ મારફતે કોર્ટે સુરત પોલીસ કમિશનર પાસે સોમવાર સુધીમાં સોગંદનામું માંગ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કાં તો કમિશનર એમ કહે કે આ કોર્પોરેશનનું સત્તાવાર ડિમોલેશન હતું, અથવા એ સ્પષ્ટ કરે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં અત્યાર સુધી શા માટે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. જોડિમોલેશન વખતે ડીસીપી હાજર હોવાના આક્ષેપો સાચા સાબિત થશે, તો તે અધિકારીએ કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે. આ સાથે કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, સુરત શહેર પોલીસ કમિશનરને ફરિયાદ નહીં લેવાનું કારણ, કોણ કોણ અધિકારીઓ ઉપસ્થિત હતા તેમજ અરજદારે ડિમોલિશન સ્થળે હાજર પોલીસ કર્મચારીઓના નામ કે હોદ્દા કેમ નથી જણાવ્યા તે સહિતના પ્રશ્નો કર્યા હતા.
આ વિવાદમાં વીજ પુરવઠો કાપવા બદલ ટોરેન્ટ પાવરને પણ પક્ષકાર બનાવવા જણાવ્યું હતું. આગામી સુનાવણીની તારીખ 29 જૂનના રોજ ટોરેન્ટ પાવરના વકીલને યોગ્ય સૂચનાઓ સાથે કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે. ટોરેન્ટ પાવરના ખુલાસા પરથી એ સ્પષ્ટ થશે કે વીજળી કાપવાની સૂચના કોર્પોરેશન તરફથી મળી હતી કે કોઈ ખાનગી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવી હતી, જેનાથી સમગ્ર ઓપરેશનના સૂત્રધાર સુધી પહોંચવામાં મદદ મળશે.
અંતમાં, હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓનો હવાલો આપીને કાયદાના શાસનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોર્ટે બે શક્યતાઓ દર્શાવી કે, કાં તો સુરત પાલિકાએ કાયદાનું ઉલ્લંઘન કરીને આ ડિમોલેશન કર્યું છે, અથવા મ્યુનિસિપલ અધિકારીઓએ પોતાના અંગત હિત માટે સત્તાનો દુરુપયોગ કર્યો છે; ગમે તે પરિસ્થિતિ હોય પરંતુ કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. જો કે, કોર્ટે અરજદારોની નબળી કાનૂની રજૂઆત સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી, પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે આ ખામીઓ કોર્ટને બંધારણીય અધિકારોની રક્ષા કરતા અટકાવશે નહીં.