ગાંધીનગર: ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે. જોકે પેટ્રોલ-ડીઝલના વેચાણથી રાજ્ય સરકારની તિજોરી છલકાઈ છે. નાણાકીય વર્ષ 2025-26માં વેટ, સીએસટી અને સેસ પેટે રૂ.21,992 કરોડની આવક થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા આ આંકડા ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા.
કયા ધારાસભ્યએ પૂછ્યો પ્રશ્ન
કરંજના ધારાસભ્ય પ્રવિણભાઈ મનજીભાઈ ઘોઘારીએ નાણા મંત્રીને પેટ્રોલ-ડીઝલથી આવકનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકારને પેટ્રોલ તથા ડીઝલ પર વેટ, સીએસટી તથા સેસ પેટે કેટલી આવક થયેલ છે? તેમના દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત ઉત્તરમાં નાણા મંત્રીદ્વારા આ વિગતો આપવામાં આવી હતી.
વિધાનસભામાં રજૂ કરાયેલી માહિતી મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં સરકારને પેટ્રોલ અને ડીઝલ પરથી વિવિધ કરવેરા પેટે કુલ રૂ. 21,992 કરોડની માતબર આવક થઈ હતી. પેટ્રોલ પર 4,423 કરોડ, સીએસટથી રૂ. 1040 કરોડ તથા સેસથી રૂ. 1,328 કરોડ આવક થઈ હતી. જ્યારે ડીઝલથી વેટ પેટે 9,675 કરોડ, સીએસટીથી રૂ. 2,427 કરોડ અને સેસ પેટે રૂ. 3,099 કરોડ આવક થઈ હતી. રાજ્ય સરકારને પેટ્રોલની સરખામણીએ ડીઝલમાંથી બમણા કરતાં પણ વધુ આવક થઈ છે. પેટ્રોલમાંથી રૂ. 6,975 કરોડ મળ્યા હતા.
એક રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં 3 કરોડ લિટરથી વધારે પેટ્રોલ-ડીઝલનું દૈનિક વેચાણ થાય છે.