Tue Oct 06 2026

Logo

ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પૂર અસરગ્રસ્તોને રૂ.163.68 કરોડની સહાય ચૂકવી

2026-09-09 19:02:12
ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પૂર અસરગ્રસ્તોને રૂ.163.68 કરોડની સહાય ચૂકવી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં ચૂકવવામાં આવેલી રાહત સહાય વિશે વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે  પૂર પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સહાયની કામગીરી હાથ ધરીને તમામ અસરગ્રસ્તોને રાહત સહાય ચૂકવવામાં આવી છે.

આર્થિક સહાય પહોંચાડવામાં આવી

તેમણે જણાવ્યું કે વલસાડ, નવસારી અને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલી પડી છે, ત્યાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આર્થિક સહાય પહોંચાડવામાં આવી છે.

આ અંગે મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું કે  ગુજરાત સરકારે રાજ્યમાં ભારે વરસાદથી થયેલા નુકસાનને ધ્યાને રાખી અત્યંત સંવેદનશીલ નિર્ણયો લીધા છે. ગત વર્ષે રાજ્ય સરકારે ખેડૂતોને થયેલા નુકસાનની પૂરેપૂરી ભરપાઈ કરવાના ઉદ્દેશ્ય સાથે ₹10,000 કરોડનું માતબર બજેટ પેકેજ ચૂકવ્યું છે. 

તેમણે કહ્યું કે આ પેકેજ અંતર્ગત ખેડૂતોને એસ.ડી.આર.એફ. (SDRF) ના સામાન્ય ધોરણો કરતાં પણ વધુ, એટલે કે બમણી રકમની સહાય ચૂકવવામાં આવી રહી છે. 

તેમજ રોકડ અને ઘરવખરી સહાયની વિગતો આપતાં મંત્રીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે પૂરને કારણે જે વ્યક્તિઓ પોતાના વ્યવસાય કે નોકરી પર જઈ શક્યા નથી, તેવા પ્રત્યેક વ્યક્તિ દીઠ દૈનિક ₹300 લેખે સહાય આપવામાં આવે છે. એક પરિવારમાં વધુમાં વધુ બે વ્યક્તિઓને ત્રણ દિવસ માટે આ સહાય મળવાપાત્ર છે. જે મુજબ કુલ ₹1800ની રોકડ સહાય (Cash Doles) ચૂકવવામાં આવી છે.

ઘરવખરી માટે સહાય  ₹2500 કરવામાં આવી 

આ ઉપરાંત, અગાઉ ઘરવખરી માટે અપાતી રકમ વધારીને હવે ₹2500 કરવામાં આવી છે. આ ઉપરાંત કપડાં વગેરે માટે પરિવાર દીઠ રૂ.2500 આમ અસરગ્રસ્ત પ્રતિ પરિવારને કુલ મળીને રૂ. 6800/-ની સહાય આપવામાં આવે છે.
વધુમાં, ભવિષ્યમાં જરૂર જણાયે તેમાં હજુ પણ વધારો કરવાની સરકારની તૈયારી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વલસાડ તથા નવસારીમાં ભારે વરસાદ-પૂરથી  લોકો અસર ગ્રસ્ત 

ખાસ કરીને, દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ વલસાડ તથા નવસારીમાં ભારે વરસાદ-પૂરથી અસરગ્રસ્તોને છેલ્લાં બે વર્ષમાં અત્યાર  સુધીમાં રૂ.163.68 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

લોકોને ખેતી, ઘરવખરી, મકાન, મૃત્યુ, ઈજા માટે સહાય પેકેજ જાહેર 

જે અંતર્ગત, ગત તા. 1 ઑગસ્ટ, 2024થી તા. 31 જુલાઈ, 2026 દરમિયાન વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ તેમજ પુરથી અસરગ્રસ્ત થયેલા કુલ 2,40,062 જેટલા લોકોને ખેતી, ઘરવખરી, મકાન, મૃત્યુ, ઈજા વગેરે પેટે જિલ્લાવાર સહાય પેકેજ અને ભારત સરકારના એસડીઆરએફ ધોરણો મુજબ આ સહાય ચૂકવવામાં આવી છે. તેમાં વલસાડ જિલ્લામાં 88,368 અસરગ્રસ્ત લોકોને કુલ રૂ. 73,56,71,335 તથા નવસારી જિલ્લામાં 1,51,694 અસરગ્રસ્તોને કુલ રૂ. 68,75,50,358ની સહાયનો સમાવેશ થાય છે.

સહાયની રકમમાં પણ સમયાંતરે વધારો

સરકાર દ્વારા સહાયની રકમમાં પણ સમયાંતરે વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર પૂર પીડિતોની પડખે છે અને કોઈપણ સૂચનને હકારાત્મક રીતે લઈને સહાયની કામગીરી નિરંતર ચાલુ રાખશે અને એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઈ પણ અસરગ્રસ્ત વ્યક્તિ સહાયથી વંચિત ન રહે .