ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી ઓફિસોમાં વીજળીની બચત માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વીજળી બચાવવા કડક નિયમો બનાવાયા છે. જે મુજબ એસીનું તાપમાન 24 ડિગ્રી રાખવું પજશે, ઉપરાંત એલઈડી અને 5 સ્ટાર સાધનોને પ્રાથમિકતા આપવી પડશે.
સૂત્રોના જણાવ્યા પ્રામાણે, સરકારી ઓફિસોમાં વીજળીના વધતા વપરાશને લઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. વીજળીનો બિનજરૂરી વપરાશ અટકાવવા માટે કચેરીઓમાં ઓટોમેટિક સેન્સર સિસ્ટમ સ્થાપિત કરવાની પણ યોજના બનાવવામાં આવી હતી. આ સિસ્ટમથી રૂમ ખાલી હોય ત્યારે લાઈટ અને અન્ય સાધનો આપમેળે બંધ થઈ જશે.
ક્યા નિયમોનો કડક અમલ કરાશે
* તમામ સરકારી ઓફિસોમાં એસીનું તાપમાન ફરજિયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવું પડશે.
* જૂની પરંપરાગત લાઈટોને તબક્કાવાર દૂર કરીને એલઈડી લાઈટો લગાવવામાં આવશે.
* ભવિષ્યમાં થનારી ખરીદીમાં માત્ર 5 સ્ટાર રેટિંગ ધરાવતાં ઉપકરણોને જ પ્રાથમિકતા આપવાની રહેશે.
* દરેક સરકારી અને અર્ધ સરકારી કચેરીએ દર વર્ષે થર્ડ પાર્ટી એનર્જી ઓડિટ કરાવવું પડશે.
* કચેરીના કોરિડોર્સ, મીટિંગ રૂમ, પાર્કિંગ અને શૌચાલયોમાં આપમેળે કામ કરતા ઓક્યુપન્સી સેન્સર્સ તેમજ ટાઈમર આધારિત ઓટોમેશન કંટ્રોલ સિસ્ટમ્સ સ્થાપિત કરાશે.
* ઊર્જા બચતના માપદંડોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી કચેરીને સરકાર દ્વારા વિશેષ સન્માન આપવામાં આવશે.
BEEના નોટિફિકેશન અનુસાર, તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડીશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત ૨૪ ડિગ્રી સેલ્સિયસ રાખવાનું રહેશે. આ ઉપરાંત, મેન્યુઅલ ભૂલોને કારણે થતો વીજ વ્યય અટકાવવા માટે કચેરીના કોરિડોર્સ, મીટિંગ રૂમ, પાર્કિંગ એરિયા અને શૌચાલયોમાં આપમેળે કામ કરતા ઓક્યુપન્સી સેન્સર્સ અને ટાઈમર આધારિત ઓટોમેશન કંટ્રોલ સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવશે. કચેરી સમય બાદ એટલે કે સાંજે ૬ વાગ્યા પછી વોટર કુલર બંધ કરવા અને સવારે ૯ વાગ્યા પછી જ ચાલુ કરવાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ઊર્જા ક્ષેત્રે મોટા સુધારાના ભાગરૂપે, તમામ સરકારી ઇમારતોમાં જૂની પરંપરાગત લાઈટોને બદલીને વીજળી બચાવતી આધુનિક LED લાઈટો લગાવવામાં આવશે અને ભવિષ્યની ખરીદીમાં 5-સ્ટાર રેટિંગવાળા સાધનોને જ પ્રાથમિકતા અપાશે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સેન્ટ્રલાઇઝ કંટ્રોલ મોનિટરિંગ સિસ્ટમ-CCMS મારફતે સ્ટ્રીટ લાઈટો ચાલુ-બંધ કરવાનો સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના ખગોળીય સમય સાથે સેન્ટ્રલ લિંક કરી દરરોજ ૬૦ મિનિટની સીધી વીજ બચત કરાશે. એટલું જ નહીં, રાત્રે ૧૨ થી સવારે ૪ વાગ્યા સુધીના ઓછા ટ્રાફિક વાળા સમયે પ્રાયોગિક ધોરણે એકાંતરે પોલની લાઈટો બંધ રાખવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
તદુપરાંત બહુમાળી મકાનોમાં લિફ્ટનો ઉપયોગ ઘટાડી અને સીડીનો ઉપયોગ થાય તે પ્રકારે જાગૃતિ માટેના પોસ્ટરો લગાડવામાં આવશે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ મળતો હોય તો ઓછામાં ઓછી લાઈટોનો વપરાશ કરી શકાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. વિવિધ સરકારી કચેરીઓમાં સોલાર પેનલ સિસ્ટમ લાગી શકે તેવી ખુલ્લી જગ્યા મળતી હોય તો તે લગાવવા માટેનું જરૂરી આયોજન કરવાનું રહેશે. GEDA દ્વારા જે સરકારી મકાનોમાં વીજ ઉત્પાદન માટે સોલાર પેનલ લગાડવામાં આવી છે તે ચકાસણી કરી કાર્યરત ન હોય તો તેને પુનઃકાર્યરત થાય તેમજ યોગ્ય ક્ષમતાનું વીજ ઉત્પાદન થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારના આ આદેશોનો યોગ્ય અમલ થાય, તે માટે દેખરેખનું યોગ્ય માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તમામ વિભાગોએ આગામી ૪૫ દિવસની અંદર પોતાનો "ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન" તૈયાર કરી ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી-GEDAને સબમિટ કરવાનો રહેશે. આ ઉપરાંત ઊર્જા વપરાશ અંગેના ત્રિમાસિક અહેવાલો મોકલવાના અને દર વર્ષે થર્ડ-પાર્ટી એનર્જી ઓડિટર્સ દ્વારા ફરજિયાત ઊર્જા ઓડિટ કરાવવાનું રહેશે. જે કચેરીઓ આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરવામાં આવશે.