Thu Jul 23 2026

Logo

ગુજરાતમાં લોકસભાની બેઠકો વધીને 39, વિધાનસભાની 273 થઈ શકે, શું છે કારણ ?

2026-06-26 08:38:00
Author: Vimal Prajapati
Article Image

AI Image


ગાંધીનગરઃ દેશમાં આગામી સીમાંકન અને નારી શક્તિ વંદન અધિનિયમ-2023 (મહિલા અનામત) ના અમલીકરણની પ્રક્રિયા જો આગળ વધશે, તો ગુજરાતના રાજકીય નકશામાં 1975 પછીના સૌથી મોટો અને ઐતિહાસિક ફેરફાર કહેવાશે. આ પહેલા આટલો મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પ્રક્રિયા સાથે જોડાયેલા ઉચ્ચ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ રાજ્ય ચૂંટણી પંચ અને વિવિધ જિલ્લા કલેકટર કચેરીઓમાં આ અંગેની પ્રાથમિક તૈયારીઓ અને વહીવટી ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. સ્વાભાવિક છે કે, આનો ફાયદો સત્તાધારી પક્ષને થઈ શકે છે. 

બેઠકોની સંખ્યામાં સંભવિત મોટો ઉછાળો

જો આગામી સમયમાં નવું પરિસીમન લાગુ થાય, તો ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા બંને ગૃહોમાં બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે અને ભાજપનો સ્પષ્ટ બહુમતી તરફનો રસ્તો વધારે સરળ થઈ જશે. જેમાં લોકસભા બેઠકોમાં હાલની 26 બેઠકો વધીને 39 કે 40 થઈ શકે છે. જ્યારે વિધાનસભામાં હાલની 182 બેઠકો વધીને 273 થઈ શકે છે. એટલે કે અંદાજે 91 બેઠકોનો સીધો વધારો થશે તેવું સંભવિત છે.

શા માટે સીમાંકન અનિવાર્ય બન્યું છે?

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીના આંકડા મુજબ, ગુજરાતમાં કુલ 4.99 કરોડથી વધુ નોંધાયેલા મતદારો હતા. સરેરાશ નિયમ પ્રમાણે એક લોકસભા વિસ્તારમાં 19 લાખ મતદારો હોવા જોઈએ, પરંતુ રાજ્યની ઘણી બેઠકોમાં આ આંકડો 20 લાખને પાર પહોંચી ગયો છે. ભવિષ્યમાં લોકસભા દીઠ 12થી 15 લાખ મતદારોનું નવું માપદંડ અપનાવવામાં આવે તેવી શક્યતા છે, જેના કારણે મતવિસ્તારોનું પુનર્ગઠન અનિવાર્ય બનશે.

જિલ્લાવાર વિધાનસભા બેઠકોના સંભવિત નવા ગણિતની વાત કરવામાં આવે તો નવા પરિસીમનના અંદાજ મુજબ વિવિધ જિલ્લાઓમાં વિધાનસભાની બેઠકોમાં અમદાવાદ જિલ્લાની 21 બેઠકોથી વધીને 29 બેઠકો, સુરત જિલ્લામાં 16 બેઠકોથી વધીને 18 બેઠકો, વડોદરા જિલ્લામાં 10 બેઠકો, બનાસકાંઠા અને રાજકોટમાં 8-8 બેઠકો, મહેસાણા, આણંદ અને ભાવનગરમાં 7-7 બેઠકો, કચ્છ, ખેડા અને દાહોદમાં 6-6 બેઠકો અને ગાંધીનગર, પંચમહાલ, ભરૂચ, વલસાડ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 5-5 બેઠકો થઈ જશે.

નારી શક્તિ વંદન અધિનિયમ અને રાજકીય સમીકરણો

સપ્ટેમ્બર-2023માં સંસદ દ્વારા પાસ કરાયેલા નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ લોકસભા અને વિધાનસભામાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે. આ ઐતિહાસિક કાયદાનો વાસ્તવિક અમલ આ નવા સીમાંકન બાદ જ થવાનો છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, બેઠકો વધવાની સાથે ભૌગોલિક સીમાઓ બદલાશે અને કેટલીક જૂની બેઠકોનું અસ્તિત્વ નાબૂદ થશે. 33 ટકા મહિલા અનામત આવવાને કારણે વર્ષો જૂના જ્ઞાતિ આધારિત અને સામાજિક સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જશે, જે તમામ રાજકીય પક્ષો માટે એક નવો પડકાર સાબિત થશે.

લોકસભા બેઠકો પર કેવો ફેરફાર થઈ શકે?

અમદાવાદમાં હાલમાં પૂર્વ અને પશ્ચિમ એમ 2 લોકસભા બેઠકો છે. જોકે, અહીં 37 લાખથી વધુ મતદારો હોવાના કારણે આગામી પરિસીમનમાં અમદાવાદને વધારાની ત્રીજી લોકસભા બેઠક મળવાની મજબૂત શક્યતા દેખાઈ રહી છે. ગાંધીનગર બેઠક પર હાલ 21 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે. આ વસ્તીને સરખે ભાગે વહેંચવા માટે કલોલ, દહેગામ અને ગાંધીનગર વિસ્તારનું ભૌગોલિક વિભાજન કરીને એક નવી જ બેઠકનું સર્જન કરવામાં આવી શકે છે. સુરત, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં છેલ્લા બે દાયકામાં અભૂતપૂર્વ વસ્તી વૃદ્ધિ નોંધાઈ છે. અહીં નવી લોકસભા બેઠકો ઉમેરાય તેવી પૂરેપૂરી સંભાવના છે. રાજકોટ બેઠક પર પણ મતદારોની સંખ્યા 21 લાખથી વધુ થઈ ગઈ છે. જેથી આગામી સમયમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને એકબીજાથી અલગ કરીને નવી બેઠક બનાવવાનું આયોજન હોઈ શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ મધ્ય-પૂર્વ ગુજરાતના પંચમહાલ જેવા વિસ્તારોમાં વસ્તીના પ્રમાણમાં નવી બેઠકો ઉમેરાશે.