Mon Oct 05 2026

Logo

સૌરાષ્ટ્ર ભાજપના નેતા 3 કરોડની ઠગાઈના કેસમાં જેલભેગાઃ 3 ભાઈઓ ફરાર, શું છે ફરિયાદ ?

2026-08-21 09:14:00
Author: Mumbai Samachar Team
સૌરાષ્ટ્ર ભાજપના નેતા 3 કરોડની ઠગાઈના કેસમાં જેલભેગાઃ 3 ભાઈઓ ફરાર, શું છે ફરિયાદ ?

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ ભાદાભાઈ પાનસુરીયા તેમના ત્રણ સગા ભાઈ અને પુત્ર સામે વડોદરા શહેરના 3 કરોડ રૂપિયાની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે ભાજપ વર્તુળમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આ કેસમાં હરણી પોલીસે 19 ઓગસ્ટની મોડીરાતે સાવરકુંડલાથી સુરેશ અને મનીષ પાનસુરીયાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય પ્રવીણ ભાદાભાઈ પાનસુરીયા, કિશોર ભાદાભાઈ પાનસુરીયા અને રવિ સુરેશભાઈ પાનસુરીયા (પુત્ર)ની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

કરોડોની છેતરપિંડી મામલે પોલીસને મોટી સફળતા

વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરોડોની હાઉસિંગ છેતરપિંડીના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. શ્રી સિદ્ધેશ્વર ગ્રુપ સાથે સંકળાયેલા બિલ્ડર અને અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી સુરેશ પાનસુરીયા તથા મનીષ પાનસુરીયાની હરણી પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ અને ફરિયાદના આધારે સામે આવેલી વિગતો મુજબ, સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ગ્રાહકો પાસેથી હાઉસિંગ પ્રોજેક્ટ માટે બુકિંગ રકમ મેળવી હતી. જોકે, પ્રોજેક્ટનું કામ અધૂરું છોડી દેવાયું હોવાના અને રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપો છે.

આ કેસમાં ઠેકરનાથ વિસ્તાર સહિતના અનેક રોકાણકારો અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, આ જ પ્રકરણમાં અન્ય ત્રણ ફરિયાદીઓએ પણ અલગથી ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

આ કેસમાં સુરેશ પાનસુરીયા, તેમના સગા ભાઈઓ અને પુત્ર સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાંથી અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ ભાદાભાઈ પાનસુરીયા અને મનીષ પાનસુરીયાની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, બંને આરોપીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ફરાર હતા. જ્યારે કેસમાં સંડોવાયેલા બાકીના ત્રણ આરોપીઓની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે.

આ ધરપકડને કારણે અધૂરા હાઉસિંગ પ્રોજેક્ટમાં ફસાયેલા રોકાણકારોમાં આશા જાગી છે. હરણી પોલીસ હવે આર્થિક વ્યવહારો, પ્રોજેક્ટની વિગતો અને અન્ય સંભવિત ફરિયાદીઓ અંગે વધુ તપાસ કરી રહી છે.

રોકાણકારોનો ન્યાય મળવાની આશા

પાનસુરિયા બંધુઓની ધરપકડ બાદ વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે જેથી છેતરપિંડીનો કુલ આંકડો અને અન્ય કયા પ્રોજેક્ટમાં તેમણે નાણાંની ગેરરીતિ કરી છે તે બહાર આવી શકે. આ કડક કાર્યવાહીથી છેતરાયેલા રોકાણકારોને પોતાના નાણાં પરત મળવાની કે ન્યાય મળવાની આશા બંધાઈ છે.