ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની અંદાજપત્રીય માગણીઓ પર ચર્ચા કરતાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે સેમિકન્ડક્ટર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 1100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, સેમિકન્ડક્ટર નીતિ 2022-27 અંતર્ગત રાજ્યમાં રૂ. 1,24,933 કરોડના રોકાણ સાથે માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સી.જી. સેમિનું OSAT અને કેયન્સ સેમિકોન જેવી કંપનીઓ પ્લાન્ટ સ્થાપી રહી છે. જેના પરિણામે સેમિકન્ડક્ટર ક્ષેત્રે "મેડ ઇન ગુજરાત" નો ડંકો ગૂંજશે.
જ્યમાં કૂલ અંદાજિત રૂ. 53,671 કરોડનું રોકાણ થવાની સંભાવના
ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ નીતિ 2022-28 અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં કુલ 37 ઇલેક્ટ્રોનિક્સ એકમોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જે દ્વારા રાજ્યમાં કૂલ અંદાજિત રૂ. 53,671 કરોડનું રોકાણ થવાની સંભાવના છે. આ નીતિ અંતર્ગત પ્રોત્સાહન પૂરું પાડવા વર્ષ 2026-27 ના બજેટમાં રૂ. 150 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. તદુપરાંત, આ નીતિ અંતર્ગત રાજ્યમાં કૌશલ્યવર્ધન માટે સેમિકન્ડક્ટર ATMP તાલીમ કેન્દ્ર અને IIT ગાંધીનગર ખાતે 'સિલિકોન એન્ડ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ'-SAMARTH, સમર્થની સ્થાપના પણ કરવામાં આવી છે.
રાજ્યનું પ્રથમ NIELIT સેન્ટર સ્થપાશે
ગુજરાત સરકારે અદ્યતન ટેકનોલોજી શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર કેન્દ્રિત રાજ્યનું પ્રથમ NIELIT સેન્ટર સ્થાપવા માટે અમદાવાદમાં ITI ચાંદખેડા ખાતે જગ્યા ફાળવી છે. રાજ્ય સરકાર, ચિપ-ઇન એક્સ્ટેન્શન સેન્ટર અને VLSI ડિઝાઇનમાં સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના કરવા માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ C-DAC,બેંગલુરુ સાથે સહયોગ કરી રહી છે. આ કેન્દ્ર સેમિકન્ડક્ટર ડિઝાઇન, નવીનતા અને સાહસિકતા માટે રાજ્ય સ્તરીય હબ તરીકે કાર્ય કરશે. આમ, સરકાર સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં કુશળ માનવબળ તૈયાર કરવા માટે પણ પ્રયાસ કરી રહી છે.
ગુજરાત સ્પેસ ટેક નીતિ 2025-30ની જાહેરાત
ગુજરાત સ્પેસ ટેક નીતિ 2025-30 અને ઇલેક્ટ્રોનિક્સ હબ વિશે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ સેક્ટરમાં ડિઝાઇન, ઉત્પાદન અને સેટેલાઈટ એપ્લીકેશન માટે રોકાણ કરવા ઇચ્છુક ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડશે. આ ક્ષેત્રે સ્ટાર્ટ-અપ, ઇનોવેશન અને મેનુફેક્ચરિંગના વિકાસની વિપુલ તકોનું સર્જન થશે. જેના માટે વર્ષ 2026-27 ના બજેટમાં રૂ. 25 કરોડ ફાળવવામાં આવ્યા છે.
સાણંદમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટર વિકસાવાશે
તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા EMC 2.0 સ્કીમ અંતર્ગત ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન ખાતે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટર વિકસાવવા મંજુરી આપવામાં આવી છે તેમજ સાણંદમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટર વિકસાવવાની અરજી અગ્રિમ તબક્કામાં છે.જ્યારે ધોલેરા અને સાણંદ GIDC ખાતે સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોને અનૂરૂપ માળખાગત સુવિધાઓ સુદૃઢ કરવા અર્થે વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં રૂ. ૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-GTU અને એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે એડવાન્સ્ડ 5G યુઝકેસ લેબ સ્થાપવા માટે વર્ષ 2026-27 ના અંદાજપત્રમાં રૂ. 30 લાખની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
NASSCOM અને Microsoft સાથે એમઓયુ
GIL એ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે NASSCOM અને Microsoft સાથે એમઓયુ કરી AI સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરી છે. આ પહેલનો હેતુ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં AI-based પ્રોજેકટને પ્રોત્સાહન આપવાનો છે. AI-COE ખાતે 18 સ્ટાર્ટ-અપ કાર્યરત છે. તથા અત્યાર સુધીમાં ૩ એઆઈ ઈનોવેશન ચેલેન્જ લોન્ચ કરવામાં આવી છે. જેમા સરકારી ક્ષેત્ર ના 12 યુઝ કેસ અને ખાનગી ક્ષેત્રના 13 યુઝ કેસ સામેલ છે. રાજ્યમાં વર્ષ 2003 થી કાર્યરત ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા સમગ્ર ભારતમાં ભૂકંપને લગતું સંશોધન કરનારી એક માત્ર સંસ્થા છે.જેના માટે રૂ. 21.09 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.