અમદાવાદઃ ગુજરાત ATSએ વધુ એક મોટી કાર્યવાહી કરીને 8.32 કરોડનું 'ટ્રેમાડોલ' ડ્રગ્સ ઝડપ્યું હતું. ટ્રેમાડોલ એક પેઇનકિલર દવા છે, જેનો ઉપયોગ ગંભીર દુખાવાની સારવાર માટે તબીબી સલાહ હેઠળ કરવામાં આવે છે. જોકે, તેનો ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ તરીકે પણ ઉપયોગ થતો હોવાથી ભારતમાં તેના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર કડક નિયમો લાગુ છે.
ક્યાંથી પકડાયું ડ્રગ્સ
મળતી વિગત પ્રમાણે, બાતમીના આધારે ATSની ટીમે બે દિવસ પહેલા શાહીબાગમાં આવેલા નમસ્તે સર્કલ પાસે એક ટ્રાવેલ્સની ઑફિસ નજીક વૉચ ગોઠવી હતી. બસ આવતાં જ તેને આંતરીને તલાશી લેવામાં આવતા એક પાર્સલમાંથી 100 મિલીગ્રામના 4160 સ્ટ્રિપ્સ મળી હતી. જેના આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 8.32 કરોડ આંકવામાં આવી હતી.
ATS ના DySPને ચોક્કસ બાતમી મળી હતી કે, મૂળ રાજસ્થાનનો અને હાલ વલસાડના પારડીમાં રહેતો પરેશ પારસમલ જૈન લાંબા સમયથી પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓના ગેરકાયદે વેપારમાં સંકળાયેલો છે. બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવતા જાણવા મળ્યું હતું કે, 25 જૂનના રોજ અંકલેશ્વરથી 'ન્યૂ મહાવીર મેડિકલ'ના નામે અન્ય દવાઓનું બોગસ ટેક્સ ઇન્વોઇસ બનાવીને 'એમ.આર. ટ્રાવેલ્સ'ની લક્ઝરી બસમાં આ જથ્થો રાજસ્થાનના પાલી મોકલવામાં આવી રહ્યો છે. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
VIDEO | Ahmedabad: Gujarat ATS has achieved a major breakthrough in its crackdown on illegal drug trafficking by seizing 2.08 lakh Tramadol Hydrochloride tablets worth approximately Rs 8.32 crore in the international market and arresting an accused from Rajasthan.
— Press Trust of India (@PTI_News) June 26, 2026
Gujarat ATS… pic.twitter.com/NyWAvUO10v
મેડિકલ સ્ટોકિસ્ટના લાયસન્સની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર
મુખ્ય આરોપી પરેશ જૈન રાજસ્થાન ભાગી ગયો હતો. જોકે, ATS ની ટીમે પીછો કરીને તેને ઉદયપુર જિલ્લાના ગોગુંદા તાલુકામાંથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, મે-2026 થી જૂન-2026 ના માત્ર બે જ મહિનાના ટૂંકા ગાળામાં તેણે 25 જેટલા કન્સાઇનમેન્ટ દ્વારા કુલ 62.54 લાખ ટ્રામાડોલ ગોળીઓ ખરીદીને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સપ્લાય કરી હતી. ચાલુ વર્ષે મે મહિનામાં મેડિકલ સ્ટોકિસ્ટનું લાયસન્સ મેળવ્યા બાદ તેણે આ કાયદેસરના ધંધાની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પરેશ જૈન અગાઉ પણ ઉત્તરાખંડના હરિદ્વાર અને મહારાષ્ટ્રના થાણેમાં કોડીન યુક્ત કફ સિરપના ગેરકાયદે જથ્થા સાથે NDPS એક્ટ હેઠળ પકડાઈ ચૂક્યો છે. આ ઉપરાંત, ગત મહિને વાપીમાંથી ઝડપાયેલા 2.38 કિલો MD Drugsના કેસમાં પણ તેનું નામ ખુલ્યું હતું.