Tue Oct 06 2026

Logo

ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ માટે ચૂંટણી જંગ, પૂર્ણેશ મોદી સામે કોંગ્રેસના શૈલેષ પરમાર મેદાને

2026-02-14 16:20:00
Author: Chandrakant Kanoja
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ માટે ચૂંટણી જંગ, પૂર્ણેશ મોદી સામે કોંગ્રેસના શૈલેષ પરમાર મેદાને

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની વરણી  રાજકીય જંગમાં ફેરવાઈ ગઈ છે. સામાન્ય રીતે આ પદ માટે બિનહરીફ વરણીની પરંપરા જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ આમને-સામને આવી ગયા છે. ભાજપ દ્વારા પૂર્ણેશ મોદીનું નામ જાહેર કરાયું છે, તો સામા પક્ષે કોંગ્રેસે પણ સિનિયર ધારાસભ્ય શૈલેષ પરમારને મેદાનમાં ઉતારતા ચૂંટણી યોજવી અનિવાર્ય બની છે. ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનારી છે, જેમાં ભાજપના પૂર્ણેશ મોદી અને કોંગ્રેસના શૈલેષ પરમાર વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. 

ભાજપ તરફથી પૂર્ણેશ મોદીને ઉમેદવાર બનાવવામાં આવ્યા

સત્તારૂઢ ભાજપ તરફથી પૂર્ણેશ મોદીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને સંગઠનમાં લાંબા સમયથી સક્રિય રહેલા પૂર્ણેશ મોદી પ્રશાસનિક અનુભવ અને સંગઠનાત્મક કાર્ય માટે જાણીતા છે. તેમની પસંદગી બાદ વિધાનસભાના સંચાલનમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બનવાની સંભાવના છે.

બહુમતી મેળવનાર ઉમેદવાર ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાશે.

બીજી તરફ કોંગ્રેસના દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારે ઉપાધ્યક્ષ પદ માટે દાવેદારી નોંધાવી છે. તેઓ લાંબા સમયથી વિધાનસભામાં સક્રિય છે અને વિપક્ષને બંધારણીય પરંપરા મુજબ પ્રતિનિધિત્વ મળવું જોઈએ તે મુદ્દાને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડી રહ્યા છે. વિધાનસભામાં સંખ્યાબળના આધારે સત્તાપક્ષ ભાજપની જીત સ્પષ્ટ છે. છતાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ઉતારવાથી રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ થયો છે. હવે 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં બહુમતી મેળવનાર ઉમેદવાર ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાશે.

 રાજીનામા બાદ ઉપાધ્યક્ષનું પદ ખાલી પડ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરા બેઠકના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના રાજીનામા બાદ ઉપાધ્યક્ષનું પદ ખાલી પડ્યું હતું. ત્યારબાદ પક્ષો દ્વારા યોગ્ય ઉમેદવાર અંગે ચર્ચા શરૂ થઈ અને નિર્ધારિત સમયમર્યાદા પહેલાં બંને પક્ષોએ ઉમેદવારી નોંધાવી હતી. 15 મી ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીના 162, કોંગ્રેસના 12 અને આમ આદમી પાર્ટીના 04, અપક્ષ 03 અને સમાજવાદી પાર્ટીના 01 ધારાસભ્ય છે.