Thu Apr 30 2026

Logo

પ્રકૃતિમાં વસંતનાં વધામણાં

2026-03-15 11:44:00
Author: Mumbai Samachar Team
Article Image

ટ્રાવેલ પ્લસ - કૌશિક ઘેલાણી

વસંત આવે એટલે કુદરત જાણે પોતાનો રંગમંચ તૈયાર કરે. ધરા આળસ મરડીને કેસૂડાંનાં રંગબેરંગી લૂગડાં પહેરીને મહાલવા નીકળી પડે. પીળા ઝૂમર જેવા આરગવધનાં ફૂલ, જારુલનાં જાંબલી રંગો અને કાંચનારનાં મનમોહક ફૂલોથી ધરતી જાણે નવી નવેલી દુલ્હન બની જાય. ઢળતી સાંજના ઠંડા વસંત પવનમાં આંબાનાં પાંદડાં હળવેથી લહેરાય અને ક્યાંક દૂર કોયલનો મધુર સૂર સંભળા ય એ ક્ષણે સમજાય કે વસંત માત્ર ઋતુ નથી, એ એક અનુભવ છે.

ગુજરાત અને રાજસ્થાનની અરવલ્લી પહાડીઓથી લઈને ગિરનાર અને બૃહદગીરનાં જંગલો સુધી આ દિવસોમાં કુદરતનો રંગોત્સવ છવાયેલો હોય છે. ખેર, ખાખરા, કરંજ, ગરમાળો, કાંચનાર અને શીમળાંના વૃક્ષો જાણે કોઈ ચિત્રકારની કેનવાસ પર રચાયેલી કૃતિ સમા લાગે. ઢળતી સંધ્યામાં સરિતાઓનું મધુર સંગીત, બુલબુલ અને કોયલના સ્વર અને પશ્ર્ચિમ આકાશમાં ઝબૂકતા તારોડિયાઓ આ બધું મળીને કુદરતનું અદ્ભુત પ્રદર્શન રચે છે.

વસંત એટલે સૂર્યાસ્તને ધીમે ધીમે પીવાની ઋતુ. 

ઠંડા પવનના સ્પર્શમાં કોઈ સ્વજનની નજીકતા અનુભવવાની ઋતુ. રાત્રિના આકાશમાં વૃશ્ચિક રાશિ સામે મીટ માંડીને બ્રહ્માંડના અપરંપાર વિસ્તારોને નિહાળવાની ઋતુ.

ભારત દેશમાં વસંતના રંગોને માણવા માટે અસંખ્ય સ્થળો છે. ઉત્તરાખંડ અને કાશ્મીરના વનવિસ્તારો, લદાખના નિર્ભળ આકાશ, રાજસ્થાનના રંગોત્સવો અને મધ્ય પ્રદેશના નદીકિનારા દરેક સ્થળ વસંતનો અલગ સ્વર રજૂ કરે છે. આજના ઝડપી જીવનમાં આપણે ઘણીવાર વૈભવી સુવિધાઓ પાછળ દોડતાં કુદરતના સહજ વૈભવને અવગણીએ છીએ. પરંતુ જ્યારે કોઈ નિર્જન કુદરતી સ્થળ સાથે અચાનક મુલાકાત થાય ત્યારે સમજાય કે સાચું વૈભવ તો અહીં જ વસે છે.

એવો જ એક અદ્ભુત અનુભવ મળે છે મધ્ય પ્રદેશના જબલપુર નજીક આવેલા ભેડાઘાટ ખાતે. નર્મદા જેને અહીં પ્રેમથી રેવા કહેવામાં આવે છે. 

વિશાળ માર્બલની પહાડીઓ વચ્ચેથી વહે છે અને સૂર્યપ્રકાશ તેની પર પડતાં સમગ્ર ઘાટ ચાંદીની જેમ ચમકી ઊઠે છે. વહેલી સવારે સૂરજની આછેરી લાલાશ પાણીમાંથી બહાર આવતી લાગે ત્યારે સમગ્ર દૃશ્ય જાણે કુદરતની જીવંત કવિતા બની જાય.

માર્બલની ઊંચી શિલાઓ વચ્ચેથી બોટમાં ફરવાનો અનુભવ અહીંની સૌથી યાદગાર બાબતોમાંનું એક છે. બોટ ધીમે ધીમે આગળ વધે, હાથ નર્મદાના પાણીમાં પસવારો કરો અને આસપાસ ઊભેલી સફેદ પહાડીઓને નિહાળો એ ક્ષણે એવું લાગે કે નર્મદા તમારા સાથે સંવાદ કરી રહી છે. ક્યારેક ઊંચી શિલાઓ પર બેઠેલા ઘુવડ કે પથ્થરો વચ્ચે ઊડતાં પક્ષીઓ આ દૃશ્યને વધુ રહસ્યમય બનાવી દે છે.

નર્મદાના કિનારે વસતા લોકોનું જીવન પણ નદી સાથે ગાઢ રીતે જોડાયેલું છે. નાનાં બાળકો નદીના ખોળે રમતાં રમતાં મોટાં થાય છે અને વહેતી નર્મદા જાણે તેમને સહજ રીતે પોતાની સાથે જોડીને રાખે છે. નદી માત્ર પાણીનો પ્રવાહ નથી, એ અહીંના જીવનનો આધાર છે.
ભેડાઘાટમાં ફરતા ફરતા સ્થાનિક સ્વાદનો પણ આનંદ માણી શકાય. મક્કાઈના લોટથી બનેલી દાળ-બાટી, દેશી ઘી અને લસણ-ફુદીના ચટણી સાથે પીરસાતું ભોજન ગ્રીષ્મની મોજને વધુ મીઠી બનાવે છે. જબલપુરથી માત્ર 26 કિલોમીટર દૂર આવેલ આ સ્થળે પહોંચવું પણ 
સરળ છે અને વિવિધ બજેટની રહેવાની વ્યવસ્થા અહીં ઉપલબ્ધ છે.

નર્મદાના આ વિસ્તારથી થોડે દૂર મહેશ્વર નજીકનું જલકોટી પણ એક એવું સ્થળ છે જ્યાં નર્મદા અસંખ્ય ધારાઓમાં વહેંચાઈને વિશાળ પથ્થરો વચ્ચે કિલ્લોલ કરતી વહે છે. સવારે સૂર્યોદય સમયે વાદળો અને વહેતી ધારાઓનું દૃશ્ય મનમાં ચિરંજીવી છાપ મૂકી જાય છે.

ઢળતી સાંજે જ્યારે આકાશમાં લાલિમા ફેલાય, પંખીઓ શાંત થાય અને આકાશ હજારો તારાઓથી ભરાઈ જાય ત્યારે નર્મદાનો મધુર રવ વધુ સ્પષ્ટ સંભળાય છે. એ ક્ષણે સમજાય કે કુદરતે અહીં જાણે અસંખ્ય વાદ્યોની મહેફિલ સજાવી છે.

વસંતની આ ઋતુમાં રેવાના કિનારે બેસીને માત્ર એક જ શબ્દ હોઠ પર આવે આહ કુદરત વાહ કુદરત!

કારણ કે કેટલીક જગ્યાઓ એવી હોય છે જ્યાં શબ્દો પૂર્ણ થઈ જાય છે અને અનુભવ બોલવા લાગે છે.