Sun Jun 14 2026

Logo

ગોંડલમાં નોકરીના બીજા જ દિવસે ઓઇલ મિલના ચાલુ મશીનમાં આવી જતાં શ્રમિક મહિલાનું કમકમાટીભર્યું મોત!

2026-06-14 16:45:25
Author: Devayat Khatana
Article Image

ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલમાં આજે સવારે એક કાળજું કંપાવી નાખે તેવો અકસ્માત સર્જાયો હતો. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી 'અવની ઓઇલ મિલ'ની અંદર કામ કરી રહેલા એક 55 વર્ષીય મહિલાનું ચાલુ મશીનમાં આવી જવાથી ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જો કે ઘટનાની કરુણતા એ છે કે મૃતક મહિલા શારદાબેન લક્ષ્મણભાઈ ખાંટ પોતાના પરિવાર સાથે રોજીરોટીની આશાથી તેમના વતન પંચમહાલ જિલ્લાના ગોલણપુર ગામથી ગોંડલ આવ્યા હતા. જો કે આ દુર્ઘટનાએ શ્રમિક પરિવારને ઊંડા શોકની ખીણમાં નાખી દીધો હતો.    

મળતી વિગતો અનુસાર, ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી ‘અવની ઓઈલ મિલ’માં આજે સવારે 55 વર્ષીય મહિલા શારદાબેન લક્ષ્મણભાઈ ખાંટનું ચાલુ મશીનમાં કપડું આવી જતાં આવી જવાથી ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની વિગતો અનુસાર, મૃતક મહિલા આજે સવારે 7 વાગ્યા આસપાસ મિલ પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન લગભગ 7:30 વાગ્યા આસપાસ ખોળના મશીનમાં કચરો અટવાઈ ગયો હતો અને તેના કારણે મશીન બંધ ન થઈ તે માટે મૃતક મહિલાએ  તે કચરો દૂર કરવા હાથથી ધક્કો માર્યો હતો. પરંતુ આ દરમિયાન તેમનું કપડું મશીનમાં આવી જતાં તેઓ ખેંચાઇ ગયા હતા અને મશીનનું જોર એટલુ હતું કે મહિલા ચગદાય ગયા હતા. 

આ કાળજું કંપાવનારી ઘટના આંખ સામે જોઈને અન્ય કામ કરી રહેલા શ્રમીકોએ ચીસાચીસ કરી મૂકી હતી. તરત જ મિલનો પાવર સપ્લાય રોકીને મશીન બંધ કરીને મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ મિલના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે તેમાં મૃતદેહને પોસ્ટ માર્ટમ અર્થે ખસેડીને પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.ઘટનાની જાણ થતાંની સાથે આસપાસના કારખાનામા કામ કરતાં શ્રમીકો પણ એકઠા થઈ ગયા હતા.  

આ બનાવમાં ભોગ બનનાર પરિવારની કરુણતા પણ કાળજું કંપાવી નાખે તેવી છે. કારણ કે આ મૃતક મહિલા શારદાબેનનું મૂળ વતન પંચમહાલ જિલ્લાનું ગોલણપુર ગામ છે. જો કે રોજીરોટીની આશાએ આ પરિવાર બે દિવસ પહેલા જ ગોંડલ આવ્યો હતો અને મિલની ઓરડીઓમાં રોકાયા હતા. જો કે મૃતક મહિલાએ ફેક્ટરીમાં કામ શરૂ કર્યાનો આજે બીજો જ દિવસ હતો પણ આજે સવારે ઘટેલી કાળમુખી ઘટનાએ પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી નાખી હતી.