Mon May 25 2026

Logo

રૂપિયો નબળો પડતાં સ્થાનિકમાં વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. 1338 અને ચાંદીમાં રૂ. 673 વધ્યા

2026-05-19 20:44:47
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ ક્રૂડતેલના ભાવમાં વધારો થવાની સાથે ફુગાવામાં વધારો થતાં અમેરિકી ફેડરલ રિઝર્વ ફુગાવાને અંકુશમાં રાખવા વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે સોનાના ભાવ એક તબક્કે ઘટીને દોઢ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા અને ચાંદીના ભાવમાં પણ વધુ 2.3 ટકાનો ઘટાડો થયો હતો. આમ વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલે છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 43 પૈસાનું ધોવાણ થયું હોવાથી આયાત પડતરોમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1333થી 1338નો ચમકારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 673 વધી આવ્યા હતા.
 
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે ઑલ ફોલ ડાઉનનું વલણ જળવાઈ રહેતાં વધુ 40 પૈસાનો કડાકો બોલાઈ જતાં આયાત પડતરો વધવાને કારણે હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1333 વધીને રૂ. 1,58,440ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1338 વધીને રૂ. 1,59,077ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 673ના સુધારા સાથે રૂ. 2,68,713ના મથાળે રહ્યા હતા, તેમ જ ચાંદીમાં જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ઘટીને ગત 30મી માર્ચ પછીની નીચી આૈંસદીઠ 4479.54 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 0.6 ટકાના ઘટાડા સાથે 4539.54 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.3 ટકા ઘટીને 4543 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.3 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 75.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

પશ્ચિમ એશિયાની ભૂરાજકીય મડાગાંઠને કારણે ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની આવતીકાલે જાહેર થનારી મિનિટ્સમાં ફુગાવાલક્ષી ચિંતા વ્યક્ત કરવામાં આવે અને વ્યાજદરમાં વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવે તેવી ભીતિ હેઠળ આજે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું એક્ટિવ ટ્રેડના વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલના તબક્કે રોકાણકારોની નજર અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારની પ્રગતિ પર મંડાયેલી છે. 

વધુમાં આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં સાધારણ ઘટાડો આવ્યો હોવા છતાં બેરલદીઠ 110 ડૉલર આસપાસની ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યાં હોવાથી અમેરિકી 10 વર્ષીય બૉન્ડની યિલ્ડ એક વર્ષની ઊંચી સપાટી આસપાસ જળવાયેલી હોવાથી વ્યાજની ઊપજ ન આપતી સોના અને ચાંદી જેવી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી નિરસ રહેતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર સુધીમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 38 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા છે. 

દરમિયાન આજે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે તહેરાને મોકલેલા શાંતિ પ્રસ્તાવને ધ્યાનમાં લેતા ઈરાન પરના હુમલા બેથી ત્રણ દિવસ મુલતવી રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું અને આ પ્રસ્તાવથી ડીલ થઈ જવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.