(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય પૂર્વના દેશોમાં ભૂરાજકીય તણાવ વધતાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ ઉછળતાં આજે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યાના પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે સપ્તાહના અંતે બન્ને કિંમતી ધાતુઓમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 3489નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1828થી 1835નો ઘટાડો આગળ ધપ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3489ના ઘટાડા સાથે રૂ. 2,60,723ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1828ના ઘટાડા સાથે રૂ. 1,58,115ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1835 ઘટીને રૂ. 1,58,751ના મથાળે રહ્યા હતા.
મધ્ય પૂર્વના દેશોમાં ભૂરાજકીય તણાવની સ્થિતિ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ 0.3 ટકા વધીને આૈંસદીઠ 5090.16 ડૉલર આસપાસ અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 5099.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે હાજર સોનામાં સતત ચાર સપ્તાહ સુધી સાપ્તાહિક ધોરણે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ વર્તમાન સપ્તાહમાં રેટકટના આશાવાદ પર પાણી ફરી વળતાં અત્યાર સુધીમાં ભાવમાં સાપ્તાહિક ધોરણે 3.5 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ એક ટકાના સુધારા સાથે આૈંસદીઠ 82.95 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલના તબક્કે સોનાની તેજીને ભૂરાજકીય તણાવનો પ્રબળ ટેકો મળી રહ્યો છે ઈરાન સાથેનાં વિવાદનો નજીકના ભવિષ્યમાં અંતે એવે તેવી શક્યતા નથી જણાતી. જોકે, ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે અર્થતંત્ર પર ફુગાવાલક્ષી દબાણ વધવાથી અમેરિકામાં વ્યાજદરની ઊંચી સપાટી લાંબા સમય સુધી જળવાઈ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા મર્યાદિત માત્રામાં સુધારો જોવા મળી રહ્યો હોવાનું ઓએએનડીએનાં વિશ્લેષ ઝૈન વાવદાએ જણાવતા ઉમેર્યું હતું કે વધતા ફુગાવાના સંજોગમાં સામાન્યપણે સોનામાં સલામતી માટેની માગ ખૂલતી હોય છે, પરંતુ નીચા વ્યાજદરના સમયગાળામાં સોનામાં કામગીરી વધુ સારી રહેતી હોય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 18 ટકાનો ઉછાળો આવ્યો છે.
દરમિયાન આજે ઈઝરાયલે હિઝબુલ્લાહના નિયંત્રણ હેઠળના બૈરુતનાં દક્ષિણ પરાંઓમાં ભારે હવાઈ હુમલાઓ કર્યા હતા, જ્યારે ઈરાને તેલ અવિવ પર મિસાઈલ હુમલાઓ કર્યાનું જણાવતાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 2.38 ટકા જેટલા ઉછળી આવ્યા હતા. આ ઉછાળો ફેબ્રુઆરી, 2022માં જ્યારે રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા વખતે જોવા મળેલા ઉછાળા પછીનો સૌથી મોટો ઉછાળો હતો.
જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના રોજગારીના ડેટા પર સ્થિર હોવાથી તેઓએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. જોકે, બજાર વર્તુળો રોજગારોની સંખ્યામાં 59,000નો ઉમેરો થવાની ધારણા મૂકી રહ્યા છે.