Tue Sep 01 2026

Logo

`15મી તારીખ આવવા દો, બધા જવાબ આપી દઈશું': ગંભીર કેમ આવું કહે છે?

Colombo   2026-08-06 16:53:00
Author: Ajay Motiwala
`15મી તારીખ આવવા દો, બધા જવાબ આપી દઈશું': ગંભીર કેમ આવું કહે છે?

કોલંબોઃ છેલ્લાં સવા વર્ષમાં ભારતે ઘરઆંગણે ટેસ્ટ-ક્રિકેટમાં જરાય સારું પર્ફોર્મ નથી કર્યું, પણ શ્રીલંકા પહોંચ્યા બાદ હેડ-કોચ ગૌતમ ગંભીર ટેસ્ટ સિરીઝની બાબતમાં સિરિયસ બન્યો છે અને કહ્યું છે કે `15મીએ ગૉલમાં શ્રીલંકા સામે બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થતાં જ અમારી ટીમ બધા જ જવાબ આપવા માટે તૈયાર રહેશે.'

ગૉલમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ (Test) 15મી ઑગસ્ટે (સવારે 10.00 વાગ્યે) શરૂ થશે. અહીં પ્રૅક્ટિસ-સેશન પહેલાં ટીમને કરેલા ટૂંકા સંબોધનમાં ગંભીર (Gambhir)એ નવા ખેલાડીઓ સ્પિન-ઑલરાઉન્ડર સારાંશ જૈન અને પેસ બોલર આકિબ નબીને માનભેર વેલકમ આપ્યું હતું. ગંભીરે બીસીસીઆઇ દ્વારા સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવેલા વીડિયોમાં કહ્યું છે, `અમારી સામે કઈ પરિસ્થિતિ છે અને કેવી જવાબદારીઓ અમારા પર છે એ વિશે અમે પૂર્ણપણે સજાગ છીએ. આપણા ખેલાડીઓ તમામ પ્રકારની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા કોઈ કસર બાકી નહીં રાખે.'

ગંભીરે એવું પણ કહ્યું કે `15મી ઑગસ્ટની સવારે અમે પ્રથમ બૅટિંગ કરીશું કે બોલિંગ, અમે દરેક પ્રકારના જવાબ આપવા તૈયાર થઈ જઈશું. અમને જે પણ સવાલ કરવામાં આવ્યા છે એના જવાબ મળી જશે.'

ડિસેમ્બરમાં ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે 0-2થી હાર થઈ ત્યાર પછી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની નવી સીઝનમાં ભારતની આ પહેલી જ સિરીઝ છે. સારાંશ જૈને મધ્ય પ્રદેશ વતી સતત સારું પર્ફોર્મ કર્યું એ બદલ તેને ટીમ ઇન્ડિયા વતી ડેબ્યૂ કરવાની તક અપાઈ છે. આકિબ નબીને ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહના સ્થાને ટીમમાં સમાવાયો છે. ગઈ સીઝનમાં જમ્મુ-કાશ્મીરને રણજી ટ્રોફીનું ટાઇટલ અપાવવામાં નબીનું મોટું યોગદાન હતું.

ગંભીરે 33 વર્ષના સ્પિનર સારાંશ જૈનને ટીમમાં આવકારતાં કહ્યું, `સારાંશ અભિનંદન, અહીં સુધી (ટીમ ઇન્ડિયા સુધી) પહોંચવા માટે તેં ખૂબ મહેનત કરી છે. તને રમવાની તક મળે ત્યારે એવું રમજે કે એનાથી તારા પરિવારને અને દેશને ગર્વ થાય. હું આકિબ નબીને પણ અભિનંદન આપવા માગું છું. ગઈ સીઝનમાં તેં જમ્મુ-કાશ્મીરને ટાઇટલ અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. એ બહુ મોટી સિદ્ધિ હતી. ફરી એક વાર તને અભિનંદન.'