(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: ભાવનગર જિલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામની સીમમાં મોડી રાત્રે ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન કેટલાક ઇસમો અંધારામાં તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસને અચાનક સામે જોઈને જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી, જેમાં તકનો લાભ લઈને 3 ઇસમો અંધારામાં નાસી છૂટ્યા હતા, જ્યારે અન્ય 5 જુગારીઓને પોલીસે ઘટનાસ્થળેથી જ રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા 11,100 તેમજ જુગાર સાહિત્ય અને વાહનો મળીને કુલ રૂપિયા 1,01,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા તમામ શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી હતી.
સ્થળ પરથી ઝડપાયેલા આરોપીઓમાં નાનીવાવડી ગામના મુકેશભાઈ ગોરધનભાઈ વાઘેલા (ઉ.વ.૩૪), વિજયભાઈ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.૨૭) અને મજૂરી કામ કરતા મુકેશભાઈ નાથાભાઈ મકવાણા (ઉ.વ.૪૮) તેમજ અમરેલી જિલ્લાના ધામેલ ગામના રમેશભાઈ ઉર્ફે અર્જુન પરમાર (ઉ.વ.૨૦) અને અરવિંદભાઈ કાળુભાઈ વાઘેલા (ઉ.વ.૩૩) નો સમાવેશ થાય છે. જ્યારે અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયેલા અન્ય ત્રણ આરોપીઓમાં લીલીયાના યુવરાજભાઈ બોરીચા, નાનીવાવડીના દલસુખભાઈ વાઘેલા અને બાબરાના વિક્રમભાઈ સાઢમીયાનો સમાવેશ થાય છે, જેમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.