(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગરના દહેગામ તાલુકાના ગલુદણ ગામમાં નકસી ઘીની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. બાતમીના આધારે પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલની ટીમે ગલુદણ ગામમાં નકલી ઘી બનાવતી અને તેનું પેકેજિંગ કરતી ત્રણ ગેરકાયદેસર ફેક્ટરીઓ પર સંયુક્ત દરોડા પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે, ફેક્ટરીઓમાં વિવિધ પ્રકારના એસન્સ અને કલરનો ઉપયોગ કરીને ઘી તૈયાર કરવામાં આવતું હતું. તૈયાર કરાયેલા આ બનાવટી ઘીને ‘અંજની ઘી’, ‘અનુજ ઘી’ અને ‘બરસાના’ બ્રાન્ડના નામે બજારમાં સપ્લાય કરવામાં આવતું હતું.
આ બ્રાન્ડના નામે નકલી ઘી બજારમાં વેચાતું હતું
દરોડા દરમિયાન ટીમને મોટા પ્રમાણમાં ઘીનું ઉત્પાદન, પેકેજિંગ અને સ્ટોક મળી આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન અંદાજે 9,300 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે 48 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ‘અક્ષીલ ડેરી પ્રોડક્ટ’ નામના એક એકમમાંથી માવો બનાવવા માટેનો અંદાજે 2,500 કિલો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે, જેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી થશે
સુત્રોના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર કારોબાર લાંબા સમયથી ચાલી રહ્યો હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હતા. જેના કારણે હવે સ્થાનિક પોલીસની કામગીરી અને દેખરેખ અંગે પણ સવાલો ઊભા થયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સ્થળ પરથી ઘી અને અન્ય સામગ્રીના નમૂનાઓ એકત્ર કરી આ તમામ સેમ્પલને તપાસ માટે વડોદરા સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હવે લેબોરેટરીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જો લેબોરેટરીના પરીક્ષણમાં ઘીમાં ભેળસેળ અથવા અન્ય ગેરરીતિ સાબિત થશે તો જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ભેળસેળની પુષ્ટિ થયા બાદ પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.