Mon Oct 05 2026

Logo

શેરડીના ત્યાગની જરૂરિયાતનું વૈજ્ઞાનિક કારણ

2026-10-04 08:48:00
Author: Shubhang Brahmbhatt
શેરડીના ત્યાગની જરૂરિયાતનું વૈજ્ઞાનિક કારણ

 

 

 

શુભાંગ બ્રહ્મભટ્ટ

 

ખેતરમાં ઊગતા પાકના ઋતુ પ્રમાણેના પ્રકાર છે ખરીફ પાક (ચોમાસુ પાક), રવિ પાક (શિયાળુ પાક) અને જાયદ પાક (ઉનાળુ પાક). આ સિવાય એક રોકડિયો પાક કહેવાય છે, જે વેપારી હેતુસર કે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વાપરવા માટે રોકડ આવક મેળવવા ઉગાડવામાં આવે છે જેમ કે કપાસ, શેરડી, તમાકુ અને મગફળી. 

 

તાજેતરમાં મહારાષ્ટ્રના 365 તાલુકામાંથી 265 તાલુકામાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે એ પરિસ્થિતિમાં શેરડી જેવા રોકડિયા પાક વિશે વૈજ્ઞાનિક દૃષ્ટકોણથી ફેરવિચાર પર ભાર આપવામાં આવી રહ્યો છે.

 

મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં પરંપરાગત કેશ ક્રોપ (રોકડિયા પાકો) હવે ખેડૂતો માટે ‘ક્રેશ ક્રોપ’ (આર્થિક નુકસાન કરનારા પાકો) સાબિત થઈ રહ્યા છે. આ પ્રદેશમાં કપાસ, સોયાબીન અને શેરડી જેવા મુખ્ય રોકડિયા પાકની ખેતી હવે ખેડૂતોને દેવાના ડુંગર નીચે દબાવી કૃષિ સંકટને વધુ ઘેરું બનાવી રહી છે.

 

અનાજના પાકો (જેમ કે જુવાર અને બાજરી)ની સરખામણીએ કપાસ, શેરડી અને સોયાબીન ઊંચું વળતર આપતા હોવાથી ખેડૂતો એની તરફ વળ્યા. જોકે મરાઠવાડામાં વરસાદ ઓછો થાય છે. આ વિસ્તારમાં 12થી 15 મહિનાના સમયગાળાવાળા અને ભારે પાણી માગી લેતા શેરડી જેવા પાકોનું વાવેતર વધ્યું છે. સરેરાશ વરસાદ કરતાં ચારથી પાંચ ગણા વધુ પાણીની જરૂરિયાત ધરાવતા પાક લેવાને કારણે ભૂગર્ભ જળના સ્તર નીચે જતા રહ્યા છે. ખેડૂતોને આ કટોકટીમાંથી ઉગારવા કેટલાક બદલાવ લાવવાની ભલામણ કરવામાં આવી છે. ફરીથી ઓછા પાણીમાં થતા પરંપરાગત પાક (જુવાર, બાજરી, કઠોળ) તરફ વળવું. આ સિવાય ઑર્ગેનિક મલ્ટી-ક્રોપિંગ અને કુદરતી ખેતી અપનાવવી અને ડ્રિપ ઇરિગેશન અને ફાર્મ પૉન્ડ્સ દ્વારા પાણીના મર્યાદિત અને સ્માર્ટ વપરાશને મહત્ત્વ અપાઈ રહ્યું છે. વિજ્ઞાનને કારણે ઊભી થયેલી સમસ્યાનું નિવારણ પણ વૈજ્ઞાનિક વિકલ્પથી કરવાનું સૂચન આવકારદાયક છે.

 

પ્રથમ ભારતીય કેમિકલ ફૅક્ટરીનાં 125 વર્ષ

 

ભારતમાં આધુનિક રસાયણશાસ્ત્રમાં પાયાનું કામ કરનારા આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રોયને ‘ફાધર ઑફ ઇન્ડિયન કેમિસ્ટ્રી’ (ભારતીય રસાયણશાસ્ત્રના પિતા) કહેવામાં આવે છે. રસાયણશાસ્ત્રના ક્ષેત્રે સૌપ્રથમ આધુનિક રિસર્ચ સ્કૂલ ભારતમાં શરૂ કરી યુવા વૈજ્ઞાનિકોની આખી પેઢી તૈયાર કરી. 1896માં તેમણે ‘મર્ક્યુરસ નાઇટ્રાઇટ’ નામના એક સ્થિર સંયોજનની મહત્ત્વપૂર્ણ શોધ કરી, જેને વૈશ્ર્વિક સ્તરે ખૂબ જ નામના મળી. એ સમયે અન્ય સંશોધનમાં આ સંયોજનની ભરપૂર મદદ મળી હતી. ભારત ઉદ્યોગોમાં આત્મનિર્ભર બને તેવા હેતુથી તેમણે વર્ષ 1901માં ભારતની સૌથી પહેલી ફાર્માસ્યુટિકલ કંપની ‘બંગાળ કેમિકલ્સ ઍન્ડ ફાર્માસ્યુટિકલ વર્ક્સ’ની સ્થાપના કરી હતી. આજની તારીખમાં એ ભારત સરકારના કેમિકલ ઍન્ડ ફર્ટિલાઈઝર મંત્રાલય હેઠળ કાર્યરત છે. પ્રારંભકાળમાં બ્યુબોનિક પ્લેગ નામની બીમારીની સારવાર માટે જાણીતું ઊફી-મય-Cologen (યુ-ડી-કલોન: કલોન શહેરનું પાણી) ઈટાલિયન સંશોધકે બનાવેલું સુગંધિત દૃવ્ય છે. ભારતીય સન્નારીઓ ખરીદી શકે એ આશય સાથે 1940ના દાયકામાં બંગાળ કેમિકલ્સમાં એનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય દ્વારા સ્થાપિત આ કંપનીએ 1907માં પ્રથમ સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ શરૂ કર્યો હતો. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનને કારણે તે સમયે ભારતમાં અન્ય સ્થાનિક લઘુઉદ્યોગો માટે જરૂરી કેમિકલ્સ સરળતાથી મળવા લાગતાં સ્વદેશી ચળવળ માટે આત્મનિર્ભરતાનું એક મોટું પ્રતીક બન્યું હતું.

 

ગાંધીજી વિજ્ઞાનના વિરોધી હતા?

ગાંધીજીના વિચારો વિજ્ઞાન અને આધુનિક ટેક્નૉલૉજીના વિરોધમાં છે એવી માન્યતાથી અનેક લોકો ઘેરાયેલા હતા. જોકે આને માટે તથ્ય નહીં તર્ક વધુ જવાબદાર હતો. ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક (1909)માં ગાંધીજીએ અનેક આધુનિક સુવિધાઓની કડક આલોચના કરી હોવાથી આ અભિપ્રાય બંધાયો હતો. ગાંધીજી વિજ્ઞાનના વિરોધી નહોતા, પરંતુ માનવતા અને નૈતિકતા વિનાના વિજ્ઞાનના વિરોધી હતા. લાખો ગરીબોની રોજગારી છીનવી મૂડીપતિઓ દ્વારા સામાન્ય માણસનું શોષણ કરે એવા મશીન સામે એમનો વિરોધ હતો. વિજ્ઞાનનો ઉપયોગ યુદ્ધ કે વિનાશ માટે નહીં, પરંતુ ગરીબો અને વંચિતોના જીવન સ્તરને સુધારવા માટે થવો જોઈએ એવી તેમની દૃઢ માન્યતા હતી. ભારતના બે અગ્રણી વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ અને આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રાય માટે તેમને આદર હતો અને આ બંને વૈજ્ઞાનિકોને પણ તેમને માટે આદર હતો. ગાંધીજી વિજ્ઞાનના વિરોધી નહોતા તો તેમણે વિજ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કર્યો, તેમનો વિજ્ઞાન સાથે કેવો સંબંધ હતો?

 

 ચરખા પર કાંતણ દ્વારા ખાદી ઉત્પાદન માટે વધુ સારાં ઓજારની ખોજમાં હતા, જેથી ખાદીની ગુણવત્તા સુધરે અને ગામડાના સામાન્ય કાંતનારા તથા વણકરો સારું કાપડ પેદા કરી શકે, તેમને વધુ રોજી મળે અને વધુ ને વધુ લોકો ખાદી પહેરતા થાય. ‘ખાદી વિજ્ઞાન’ શબ્દ પણ પ્રચલિત કરી તેમણે ચરખાને ઉચ્ચ પ્રકારના યંત્ર તરીકે ઓળખાવ્યો હતો. આશરે 80 વર્ષ પહેલાં વધુ સક્ષમ ચરખો શોધી આપનાર માટે તેમણે ઇનામ જાહેર કર્યું હતું. આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રાયએ ગાંધીજીના ખાદી આંદોલન અને ઉદ્યોગને સફળ બનાવવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિજ્ઞાન અને કુટીર ઉદ્યોગ (ખાદી)ના સમન્વયથી દેશને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી શકાય એવી એમની માન્યતા હતી. 

 

માનવ મળ ને ખાતર

 

ગાંધીજી કહેતા કે માનવ મળને ખુલ્લામાં છોડવાને બદલે તેના પર માટી નાખીને તેને ઢાંકી દેવો જોઈએ. આમ કરવાથી તે સમય જતાં ઓગળીને ઉત્તમ કુદરતી ખાતરમાં ફેરવાઈ જાય છે. ખુલ્લામાં શૌચ કર્યા પછી તેને ખુલ્લુુંં રાખવાથી માખીઓ અને મચ્છરો દ્વારા રોગો ફેલાય છે. જો તેના પર માટી નાખવામાં આવે તો દુર્ગંધ પણ નથી આવતી અને બીમારીઓ પણ અટકે છે. માનવ મળ-મૂત્રમાંથી બનતું ખાતર વૈજ્ઞાનિક દૃષ્ટિએ જમીન અને પાક બંને માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વૈજ્ઞાનિકોએ એ બાબત પર ધ્યાન દોર્યું હતું કે કાચા (અન-ટ્રીટેડ) માનવ મળનો સીધો ખેતરમાં ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેમાં હાનિકારક બૅક્ટેરિયા અને પરોપજીવી જીવાતો હોઈ શકે છે. બિંદેશ્ર્વર પાઠકે પણ ગાંધીજીના વિચારથી પ્રેરિત થઈને ભારતમાં ઇકો-ફ્રેન્ડ્લી શૌચાલયોની ક્રાંતિ શરૂ કરી હતી. આવી વિચારધારા ધરાવતા ગાંધીજી વિજ્ઞાન વિરોધી હતા એ માત્ર અપપ્રચાર નથી લાગતો?