Fri Jul 24 2026

Logo

કચ્છમાં ચૂંટણી પહેલા પોલીસ એક્શનમાં: દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

2026-04-11 12:25:00
Author: Mumbai samachar Team
Article Image

AI Image


ભુજ: સરહદી કચ્છમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી રહેલી ચુસ્ત તકેદારીના ભાગરૂપે ગાંધીધામ રેલવે પોલીસે બે અલગ-અલગ દરોડા પાડીને હજારોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. મુંબઈથી ટ્રેન મારફતે લવાયેલો આ જથ્થો રાપર અને ભુજ પહોંચાડવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ગાંધીધામ રેલવે પોલીસની સર્વેલન્સ ટીમ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે સવારે 11 વાગ્યાના અરસામાં પાર્કિંગ વિસ્તારમાં આવેલા એસબીઆઇ એટીએમ સામે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યો હતો. પોલીસને જોઈને આ શખ્સે ભાગવાનો પ્રયાસ કરતા ટીમે તેને રાઉન્ડઅપ કર્યો હતો. તેની પાસે રહેલી બેગની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૫ બોટલો મળી આવી હતી.

પકડાયેલા શખ્સની ઓળખ જીગ્નેશ ભીમજીભાઈ વાવીયા (રહે. શાંતાક્રુઝ, મુંબઈ) તરીકે થઈ છે. પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, આ જથ્થો તેને મુંબઈના મયુર સાંઢાએ આપ્યો હતો અને તે રાપર ખાતે રહેતા રામજી સાંઢાને પહોંચાડવાનો હતો. પોલીસે કુલ રૂ. 46350નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા એક કિસ્સામાં, ગાંધીધામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર કંડલા તરફની સીડી પાસે બે થેલા લઈને બેઠેલા એક વૃદ્ધની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે પૂછપરછ કરી હતી. વૃદ્ધ ગભરાઈ જતાં પોલીસે તેના થેલાની તલાશી લીધી હતી, જેમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ભુજના જેષ્ઠાનગરમાં રહેતા ૬૪ વર્ષીય રવિલાલ ખટાઉ દાવડાની અટક કરી રૂ. ૨૨,૨૬૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,ચૂંટણીની આચારસંહિતા અમલી હોય ત્યારે દારૂ અને અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ સક્રિય બની છે. રેલવે સ્ટેશનો અને ચેકપોસ્ટ પર ચકાસણી સઘન બનાવી દેવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)