ભુજઃ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા તેમજ અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે પૂર્વ કચ્છ પોલીસ અને જિલ્લા પ્રશાસને સંયુક્ત રીતે કડક પગલાં ભર્યાં છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી લોકશાંતિ ડહોળનારા એક માથાભારે શખ્સ અને પ્રોહિબિશનના અસંખ્ય ગુનામાં સંડોવાયેલી મહિલા બુટલેગરને કચ્છ સહિત આજુબાજુના 5 જિલ્લાઓમાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ જિલ્લાની હદમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે સ્થાનિક સ્તરે આતંક મચાવતા દેવેન્દ્ર મહેશ સોંદરવા અને વિમળાદેવી સીતારામ બાવરી વિરૂદ્ધ તડીપારની મજબૂત દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સહ કલેક્ટરને મોકલી આપી હતી. કલેક્ટર કચેરી દ્વારા આ દરખાસ્તને મંજૂરીની લીલીઝંડી આપવામાં આવતાં પોલીસે બંને આરોપીઓને વિધિવત રીતે હુકમની બજવણી કરી સરહદ પાર મોકલી આપ્યા છે. તડીપારના આ આદેશ અનુસાર હવે આ બંને આરોપીઓ નિયત સમયગાળા સુધી કચ્છ જિલ્લા ઉપરાંત તેને અડીને આવેલા મોરબી, પાટણ, બનાસકાંઠાના વાવ-થરાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં પ્રવેશી શકશે નહીં.
આરોપી મહિલા સામે 12 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે
પોલીસ રેકોર્ડ પ્રમાણે વાત કરવામાં આવે તો, પકડાયેલા આરોપીઓ પૈકી દેવેન્દ્ર સોંદરવા સામે અગાઉ મારામારી અને ધાક-ધમકી સહિતની જુદી-જુદી કલમો હેઠળ 2 ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે મહિલા આરોપી વિમળાદેવી બાવરી સામે ગાંધીધામ પંથકમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણના કુલ 12 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે. વારંવાર જેલની હવા ખાધા બાદ પણ આ બંને આરોપીઓની ગુનાહિત માનસિકતામાં કોઈ સુધાર ન આવતાં આખરે તંત્રએ તેમને હદપાર કરવાનો આકરો નિર્ણય લીધો છે. પ્રશાસનની આ કડક કાર્યવાહીથી સ્થાનિક ભૂગર્ભ ગતિવિધિઓ ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(ઉત્સવ વૈદ્ય)