Fri Jun 19 2026

Logo

ફીફા વર્લ્ડકપઃ મેચમાં દેખાતો બોલ કોઈ સામાન્ય બોલ નથી, દર સેકન્ડે 500 વખત સિગ્નલ મોકલી કરે છે ઓફસાઈડનો ખુલાસો

Miami   2026-06-19 18:01:37
Author: Mumbai Samachar Team
Article Image

મિયામીઃ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ ફીફા કપ ચાલી રહ્યો છે. દરરોજ જુદા-જુદા દેશના ખેલાડીઓ વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચ જોવાની જેટલી મજા આવે છે એટલી જ એના ખેલાડીઓની મહેનત પણ દમદાર છે. દરેક મેચમાં જે ફૂટબોલનો બોલ દેખાઈ રહ્યો છે એ કોઈ સામાન્ય બોલ નથી. આ એડવાન્સ ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવેલો સ્માર્ટ બોલ છે. એડિડાસ કંપનીનો આ બોલ ખૂબ જ હાઈટેક છે છતા ગમે એટલી કીક મારવામાં આવે એની ટેક્નોલોજીના કોઈ ફેરફાર થતો નથી. 

આ કોઈ સામાન્ય બોલ નથી

સ્માર્ટ બોલમાં ઈલેક્ટ્રોનિક ચીપ સેટ ફીટ કરવામાં આવી છે. આ ચીપને એક પ્રકારના પાવરની જરૂર પડે છે. આ માટે મેચની શરૂઆત થાય એ પહેલા તમામ બોલને વાયરલેસ ચાર્જિંગની મદદથી ખાસ પ્રકારના ડૉક પર રાખીને ચાર્જ કરવામાં આવે છે. આ સિંગલ ચાર્જમાં બોલ સતત 6 કલાક સુધી કામ આપે છે. આ ચાર્જિંગ કર્યા બાદ બોલને ગમે એટલી કીક મારવામાં આવે એની બેટરીને કે બોલને કોઈ જ પ્રકારનું નુકસાન થતું જ નથી. આ કોઈ સામાન્ય ફૂટબોલ નથી. આ ખાસ પ્રકારના બોલમાં વજન અને બેલેન્સની કોઈ અસર પણ થતી નથી. બોલ પર એવી જગ્યાએ સેન્સર ચીપ લગાવવામાં આવી જે ઝડપથી ધ્યાને આવે એમ નથી. આ માટે એડિડાસે ખાસ પ્રકારની ટેક્નોલોજી અને એન્જિનીયરિંગનો ઉપયોગ કર્યો છે. સેન્સર પેનલ ફિટ કરવામાં આવી છે. વજનને બેલેન્સ કરવા માટે અન્ય ત્રણ પેનલ પર એટલા જ વજન મૂકવામાં આવ્યા છે. 

ઘડીના છઠ્ઠાભાગમાં ડેટા ટ્રાંસફર

ક્નેક્ટેડ બોલ ટેક્નોલોજીના માધ્યમથી સેન્સર બોલને કિક લાગતા જ મિલિસેકન્ડના હિસાબથી ડેટાને રેકોર્ડ કરે છે. ખાસ કરીને લાઈન આઉટ અને લાઈન ઈન વખતે જે માથાકુટ થતી એ હવે થતી નથી. આ પાછળનું કારણ બોલમાં લાગેલા સેન્સર છે. જેના રિપોર્ટ પરથી ઘડીના છઠ્ઠા ભાગમાં ખ્યાલ આવી જાય છે કે, નિર્ણય સાચો છે કે ખોટો. ઓફસાઈડ લાઈન નક્કી કરવામાં પણ ઘણી સરળતા રહે છે. બોલ કોઈ ખેલાડીના હાથને લાગી જાય છે તો પણ સેન્સર એના સિગ્નલમાં આવતા જે તે ડાયરેક્શનમાં આવેલા બદલાવને નોટિસ કરી દે છે. 500Hzની ચીપ મોશન સેન્સર ચીપ છે. જે દર સેકન્ડે 500 વાર બોલની સ્પીડ, સ્પીન અને ડાયરેક્શન સાથે જોડાયેલો ડેટા રેકોર્ડ કરીને ટ્રાંસમીટ કરે છે. એઆઈની મદદથી આ ડેટા વિડિયો આસિસ્ટન્સ, રેફરી અને કોમ્પ્યુટર સિસ્ટમ સુધી પહોંચે છે. આનાથી કેટલાક નિર્ણય લેવામાં સરળતા રહે છે.