Thu Jul 23 2026

Logo

અમદાવાદના નકલી પ્લાઝમાં રેકેટનું મહારાષ્ટ્ર કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો, જાણો શું છે વિગત

2026-06-30 09:33:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ ચાંગોદરમાં ભાડે મકાન ભાડે રાખીને ફાર્મા કંપનીના અસલી બ્લડ પ્લાઝમાં બેગ કાઢીને તેમાં સલાઇન વોટર ભરીને નકલી પ્લાઝમાં બેગ આપવાનું રેકેટ ઝડપીને પોલીસે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. તે કેસમાં પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપી દિનેશ મહારાષ્ટ્રની આઠ બ્લડબેન્કોના પ્લાઝમાંની હેરાફેરી કરતો હોવાથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે તેના સંચાલકોની ધરપકડ કરી છે. 

શું કહ્યું ગ્રામ્ય પોલીસના એસપી ઓમ પ્રકાશ જાટે ?

આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી મહારાષ્ટ્રની અનેક બ્લડ બેંકો સાથે સંપર્કમાં હતો અને ત્યાં પ્લાઝ્માનું વિતરણ કરવામાં આવતું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ કબ્જે કરાયેલા કુલ 1140 યુનિટ પ્લાઝ્માના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં મળેલા રિપોર્ટમાં ગુણવત્તા અને સલામતી સંબંધિત ગંભીર ખામીઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

મહત્વનું છે કે આરોપીએ સારી ક્વોલિટીના પ્લાઝમાં મહારાષ્ટ્રની વાશીમ અને જાલના બ્લડબેન્કમાં આપ્યા હતા. ચાંગોદરમાંથી પોલીસને નકલી બ્લડ પ્લાઝમા રેકેટમાં તપાસ દરમ્યાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં મુખ્ય આરોપી દિનેશ ચૌધરી ફાર્મા કંપનીમાં પહોંચાડવા માટે મળેલા ઉચ્ચ ગુણવત્તાના બ્લડ પ્લાઝમામાંથી થોડી માત્રામાં પ્લાઝમાં કાઢી લઇ તેની ક્વોન્ટિટી જાળવવા તેમાં સલાઇન વોટર ભેળવી દેતો હતો. જેથી પ્લાઝમાની ગુણવત્તા નીચી થઇ જતી હતી. 

જ્યારે પણ તેની પાસે સારી ક્વોલિટીના પ્લાઝમા યુનિટ આવતા ત્યારે તે અસલી પ્લાઝમા કાઢી લઇ તેના સ્થાને અગાઉથી મિક્સિંગ કરી તૈયાર કરેલા ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ મૂકી દેતો હતો. આરોપી દિનેશ ચૌધરીએ ફાર્મા કંપનીના ઓર્ડર મુજબની ક્વોન્ટિટી જાળવી રાખી અસલી પ્લાઝમા મહારાષ્ટ્રની વિવિધ બ્લડ બેંકો મારફતે અન્ય ફાર્મા કંપનીઓને પહોંચાડ્યા હતા. હાલમાં મહારાષ્ટ્રની 8 બ્લડ બેન્કો અને તેમના સંચાલકોની શંકાસ્પદ ભૂમિકા અંગે તપાસ અને પૂછપરછ ચાલુ છે. જ્યારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ગુજરાત સ્ટેટ હાઉસિંગ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન વિભાગ સાથે મળીને પોલીસ તપાસ કરી રહી છે.