ઝૂકતી હૈ દુનિયા તો...
સ્ત્રીની આંખમાંથી ટપકતું એક આંસુ, તેણે ખાધેલું એક ડૂસકું, તેના ચહેરા પર ગ્લાનિની એક રેખા અનુકંપાનો મહાસાગર છલકાવી શકવાનું કેવું સામર્થ્ય ધરાવે છે એની કલ્પના કરવી અઘરું નથી. એમાંય જો સ્ત્રી યુવાન હોય, ખૂબસૂરત હોય અને કોઈ મુશ્કેલીમાં મુકાઈ હોય તો મદદકર્તાઓની આખી ફોજ ખડી થઈ જતી હોય છે. નાઈલ નદી અને પિરામિડો માટે ખ્યાતનામ ઈજિપ્તમાં ડોનિયા ફૌદ નામની બ્લોગર લલનાએ ચાહકોને જે રીતે ચૂનો ચોપડ્યો એ જોઈ ‘ઝૂકતી હૈ દુનિયા ઝૂકાનેવાલા ચાહિએ’ ઉક્તિનું સ્મરણ થયા વિના ન રહે.
ડોનિયાએ બીમારીના બહાને અનેક ખિસ્સા ખંખેરી નાખ્યા હોવાનું તરકટ બહાર આવ્યું છે. પોતે કેન્સરની દર્દી હોવાની વાત ફેલાવી અને મુસીબતમાં ફસાયેલી વ્યક્તિ જેવો ચહેરો બનાવી ડોનિયાએ સારવાર માટે નાણાકીય મદદની અપીલ કરી. જોતજોતામાં એના આંસુ લૂછવા રૂમાલની ફેક્ટરી ઊભી થઈ ગઈ અને 40 લાખ ઈજીપ્શ્યન પાઉન્ડ (આશરે 70 લાખ રૂપિયા)નો ફાળો એકઠો થઈ ગયો. પૈસા સાથે ડોનિયા રફુચક્કર થાય એ પહેલા એની નકલી બીમારીનો ભાંડો ફૂટી ગયો.
એની બીમારી બનાવટ હોવાની જાણ થઈ અને પોલીસે પહેલા એના પતિની ધરપકડ કરી અને હવે કોઈ આરો કે ઓવારો નથી એનો ખ્યાલ આવી જતા ડોનિયા પણ પોલીસને શરણે આવી ગઈ છે. ડોનેશન આપનારી જ કેટલીક વ્યક્તિ કાનૂની પગલાં ભરી રહી છે. જેલના સળિયા પાછળ ધકેલાઈ ન જવું પડે એ માટે ડોનિયા માનસિક બીમારીનો ઢોંગ કરી આજીજી કરી રહી છે. ‘ભ ભ ભ ભૂલ થઈ ગઈ મ મ મ માફ કરો...’ એવી વિનવણી કરી રહી છે. આ રજૂઆત બહેરા કાને અથડાય છે કે ડોનિયા ઉગરી જાય છે એ જોવું રસપ્રદ રહેશે. હાલ તો સમગ્ર ઈજિપ્તમાં આ કિસ્સો ગાજી રહ્યો છે.
ભૂમિતિ અને વૈજ્ઞાનિકની આંકડાજાળ
સ્કૂલમાં તો ગણિત જરૂર ભણવામાં આવ્યું હશે. આ વિષય તમને ગમતો હોય (જેની સંભાવના પાતળી છે) કે એના પ્રત્યે અરુચિ હોય (જેની ટકાવારી વિશાળ હશે) તમે પાઈ તરીકે ઓળખાતી સંજ્ઞા જરૂર તમારા જોવા-જાણવામાં આવી હશે. ગણિતની એક પાંખ ભૂમિતિ તરીકે ઓળખાય છે અને એમાં વર્તુળ વિશે ઘણી વાત આવતી હોય છે. વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર એ પાઈની મૂળ વ્યાખ્યા છે.
આંકડા દ્વારા આ સંખ્યા બે રીતે દર્શાવવામાં આવે છે, 22/7 અથવા 3.14.... તરીકે. અહીં 3 એ પૂર્ણાંક સંખ્યા છે જ્યારે દશાંશ ચિહ્ન પછી આવતા આંકડા અગણિત છે. મતલબ કે એનો કોઈ અંત નથી. ટૂંકમાં પાઈનું મૂલ્ય સામાન્યપણે 3.14 તરીકે દર્શાવવામાં આવે છે. હવે આંકડાની અજાયબી જોઈએ. યુનાઇટેડ સ્ટેટ્સમાં પાઇ ડે 14 માર્ચના દિવસે ઉજવાતો આવ્યો છે. આપણે ત્યાં તારીખ પહેલા અને મહિનો પછી (14-3-2018) એમ લખાય છે જ્યારેઅમેરિકન શૈલીમાં મહિનો પહેલા અને તારીખ પછી એમ 3-14-2018 સ્વરૂપે લખવામાં આવે છે.
2015ના પાઇ ડેનું વિશેષ મહત્ત્વ હતું, કારણ કે અમેરિકન પદ્ધતિ પ્રમાણે એ દિવસની રજૂઆત 3/14/15 તરીકે કરવામાં આવે હતી અને 3.1415 એ પાઇની સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ છે. હવે આપણે આ સંખ્યા અને બે મહાન વૈજ્ઞાનિકોનું આંકડાકીય ઐક્ય જોઈએ. આઇન્સ્ટાઇનની જન્મ તારીખ છે 3.14.1879 અને સ્ટીફન હોકિંગની અવસાન તારીખ છે: 3.14.2018 અને હા, ગણિત સાથે આડકતરો સંબંધ ધરાવતા જર્મન સમાજ વૈજ્ઞાનિક અને અર્થશાસ્ત્રી કાર્લ માર્ક્સની પુણ્યતિથિ છે 3.14.1883. આ ત્રણેયના આયુષ્યના મહત્ત્વના દિવસોમાં 3.14 એટલે કે પાઇ કેવું વણાઈ ગયું છે, નહીં?
હે ઈશ્વર, તારી લીલા અપરંપાર છે, અલબત્ત, એમ કહેવું જોઈએ કે હે વિજ્ઞાન તારી અજાયબીનો પાર નથી.
સુમતિ મેડમની શું મતિ, કહેવું પડે...
અસલના વખતમાં વિક્રમાદિત્ય જેવા રાજા પ્રજાની વાસ્તવિક સ્થિતિ, તેમની સમસ્યાઓ અને તેમની ખુશી જાણવા તેમજ નગરમાં કાયદો અને વ્યવસ્થા કેવી છે એની સાચી જાણકારી મેળવવા વેશપલટો કરી નીકળતા. હૈદરાબાદના નવા પોલીસ કમિશનર-આઈપીએસ ઓફિસર બી. સુમતિ વિક્રમાદિત્યની સ્ટાઈલથી વાકેફ છે કે નહીં એની ખબર નથી, પણ તેમણે અસલ રાજાની શૈલીમાં વેશપલટો કરી મધરાતે મહિલાઓની સુરક્ષા અંગેની વાસ્તવિકતા જાણવા કરેલી નગરચર્યા સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
પહેલી મે, 2026ના દિવસે સુમતિજી કમિશ્નર તરીકે નિયુક્ત થયાં. માઓવાદી સંબંધિત ઓપરેશન્સ તેમ જ મહિલા સુરક્ષા માટે જવાબદારી સંભાળનારાં 25 વર્ષથી પોલીસ દળમાં છે. હૈદરાબાદનો હોદ્દો ગ્રહણ કર્યા પછી મહિલાઓની સુરક્ષાની સાચી જાણકારી મેળવવા રાતના સાડા બાર વાગ્યે સામાન્ય સલવાર સૂટ પહેરી એક બસ સ્ટોપ પર ઊભા રહી ગયાં.
સામાન્ય પ્રવાસી લાગે એ હેતુથી સાથે એક મોબાઈલ ફોન રાખ્યો અને સમયાંતરે વાતચીતનું નાટક કરતા રહ્યાં. પોતે જે કંઈ જોયું એના આધારે એ વિસ્તારમાં લાગલગાટ ત્રણ દિવસ પોલીસ પહેરો કરાવ્યો. કેટલીક હોસ્ટેલમાં સીસીટીવી નહોતા અને જ્યાં હતા ત્યાં રેકોર્ડિંગની જાળવણી બરાબર ન થતી હોવાનું ધ્યાનમાં આવ્યું. ત્યારબાદ સુમતિજીએ હોસ્ટેલના માલિકો, આસપાસના દુકાનદાર અને અન્ય કેટલાક લોકો સાથે મીટિંગ કરી મહિલાઓની છેડતી અટકાવવા અને તેમની સુરક્ષા વધારવા ચર્ચા વિચારણા કરી. સુમતિજીની આ નગરચર્યા પર લોકો ઓવારી ગયા છે. ઓફિસરોના રિપોર્ટ્સ પર ભરોસો કરી બેસી રહેવાને બદલે રસ્તા પર ઊતરી પરિસ્થતિનો તાગ મેળવવાની સુમતિજીની મતિને સલામ.
કન્યાઓનો વહુઘોડો કુંવરના માંડવે
એકવીસમી સદી કેવળ નવી સદી નથી, બલકે મનુષ્ય જીવનમાં સામાજિક સહિત અનેક પરિવર્તન જોવા મળી રહ્યા છે. જોકે, આ પરિસ્થિતિમાં દેશના કેટલાક વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા અદબ સાથે જળવાઈ રહી છે. સોશ્યલ મીડિયાને કારણે એ પરંપરા દેશના ખૂણેખાંચરે પહોંચી જનતાને હેરત પમાડી રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ એમ બે રાજ્યમાં ફેલાયેલા જૌનસાર બાવર વિસ્તારમાં એક અનોખા વરઘોડાએ, સોરી વહુઘોડાએ અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
‘જોજોરા લગ્ન’ તરીકે ઓળખાતા એક સમૂહ લગ્નમાં હાજરી આપવા પાંચ કન્યા વાજતેગાજતે કુંવરના માંડવે જવા નીકળી ત્યારે આશ્ચર્ય સાથે વાતવરણમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ પદ્ધતિથી થતા લગ્નમાં હંમેશ મુજબના રીતરિવાજથી જ વિધિ પાર પડે છે, પણ લગ્ન નિમિત્તે થતો ફાલતુ ખર્ચ અટકી જાય છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે કન્યા પક્ષના પરિવાર આર્થિક બોજમાંથી ઊગરી જાય છે.
પાંચમાંના સૌથી મોટા વરરાજાનું કહેવું હતું કે ‘અમારા પૂર્વજોએ આ પરંપરા શરૂ કરી હતી અને અમારી કુળદેવીના આશીર્વાદથી આજે પણ એ પરંપરા જળવાઈ રહી છે. આજના મોંઘવારીના જમાનામાં સાદાઈથી લગ્ન કરવાને પ્રાધાન્ય આપવું જરૂરી છે. કપડાં અને ઘરેણાં માટે કોઈપણ પ્રકારનો આગ્રહ રાખવામાં નથી આવતો. જે પૈસાની બચત થાય છે એનો ઉપયોગ બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. આ ભાવના અન્ય પરિવારોમાં પણ વિકસે એ માટે અમે બનતી કોશિશ કરીએ છીએ.’ લગ્નની ધામધૂમ માટે વાપરવાના પૈસા શિક્ષણ માટે ઈસ્તેમાલ થાય એ વાત ‘પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઇન્ડિયા’ને પોષણ આપે છે.
લ્યો કરો વાત
ઓડિશાના ભુવનેશ્વર શહેરનાં કેટલાંક બાળકો શિક્ષણના પ્રતાપે ઊંડા અંધારામાંથી ઉજાસમાં આવી રહ્યાં છે. એસએસસીની પરીક્ષામાં પાસ થયેલા આ પરિણામો પાછળ એક વરવી વાસ્તવિકતા સંતાઈને બેઠી છે. અનેક ક્ધયાએ કચરો વીણવાનું, બે ટંક ભોજન માટે યાચના કરવાનું અને બાળ મજૂર તરીકેના દિવસો જોયા છે. મજબૂરીએ ક્યારેક બૂરી આદત કે ચોરી જેવા ખોટા કામ પણ કરાવ્યા છે. પેટની આગ ઠારવા શિક્ષણની આહુતિ પણ દેવાઈ ગઈ.
જોકે, શિક્ષણ મળવાનું શરૂ થવાથી અનેક છોકરીઓએ નાનકડી જગ્યા, ઝાંખો પ્રકાશ, અપૂરતું ભોજન જેવી વિષમતાને અવગણી અભ્યાસને અગ્રતા આપી. એક એનજીઓની સહાયને કારણે સાત છોકરીએ એસએસસીની પરીક્ષા પાસ કરી છે. એમનું રિઝલ્ટ, તેમણે મેળવેલા માર્ક ઘણા લોકોને સામાન્ય લાગી શકે છે, પણ આ બાળકો રસ્તે રઝળતી વાર્તા મટી એક ઉજ્જવળ ભવિષ્યની કથા બની રહ્યા છે એ પરિસ્થિતિ આજનો શિક્ષિત બાળક આવતીકાલનો સક્ષમ નાગરિક બની શકે છે એ ભાવનાને સમર્થન આપે છે.