Tue Oct 06 2026

Logo

ગુજરાતથી ઉપડતી ટ્રેનોમાં ડમી બુકિંગ કૌભાંડ: એજન્ટો દ્વારા ટિકિટોની કાળાબજારીની ફરિયાદથી ચકચાર

2026-10-02 19:26:06
Author: Mayur Patel
ગુજરાતથી ઉપડતી ટ્રેનોમાં ડમી બુકિંગ કૌભાંડ: એજન્ટો દ્વારા ટિકિટોની કાળાબજારીની ફરિયાદથી ચકચાર

અમદાવાદઃ દિવાળી પર ગુજરાતમાંથી ઉપડતી તમામ ટ્રેનોમાં બુકિંગ હાઉસફૂલ થઈ ગયું છે. આ દરમિયાન ગુજરાતમાંથી ઉપડતી ટ્રેનોમાં ડમી બુકિંગ,બલ્ક રિઝર્વેશન અને અન્ય મુસાફરોને ટિકિટ પધરાવવાની ફરિયાદ ઉચ્ચ રેલવે અધિકારીઓને કરવામાં આવી છે. મળતી વિગત પ્રમાણે, દિવાળીના ધસારા પહેલાં ગુજરાતમાંથી ઉપડતી વિવિધ ટ્રેનોમાં બુકિંગ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવેલી એક ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે ડમી અથવા કથિત નકલી નામો હેઠળ સીટો બ્લોક કરવામાં આવી રહી છે અને પાછળથી તે સીટો અન્ય મુસાફરોને ઓફર કરવામાં આવે છે.

આ ફરિયાદમાં અમદાવાદ, સાબરમતી, ગાંધીનગર અને નજીકના સ્ટેશનો પરથી જમ્મુ, કટરા, દિલ્હી, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને કેરળ તરફ જતી ટ્રેનોનો સમાવેશ થાય છે. તેમાં આક્ષેપ કરાયો છે કે કેટલાક ટૂર ઓપરેટરો અને રેલવે એજન્ટો દિવાળી ટ્રાવેલ પેકેજના ભાગરૂપે ગેરંટેંડ કન્ફર્મ રેલવે ટિકિટ ઓફર કરી રહ્યા છે, જ્યારે કે રેલવે દ્વારા તેમને કોઈ વિશેષ કોચ કે સીટ ક્વોટા ફાળવવામાં આવ્યો નથી.

આરોપો મુજબ, ડમી નામોનો ઉપયોગ કરીને એડવાન્સમાં ટિકિટ બુક કરવામાં આવે છે અને ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલાં જ તે મૂળ મુસાફરોને સોંપવામાં આવે છે. મુસાફરોને કથિત રીતે એવું કહેવામાં આવે છે કે તેમનું મૂળ બુકિંગ કન્ફર્મ થઈ શક્યું નથી, પરંતુ ત્યારબાદ તેમને અન્ય વ્યક્તિના નામે કન્ફર્મ ટિકિટ આપવામાં આવે છે. આ ફરિયાદમાં મુસાફરી દરમિયાન ઓળખની ચકાસણી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

આ ફરિયાદમાં ટ્રેન, રૂટ, મુસાફરીની તારીખો અને શંકાસ્પદ બલ્ક બુકિંગની અંદાજિત વિગતો આપવામાં આવી છે. જે ટ્રેનો અંગે શંકા દર્શાવાઈ છે તેમાં સાબરમતી–જમ્મુ તાવી એક્સપ્રેસ, હાપા–કટરા એક્સપ્રેસ, જામનગર–કટરા એક્સપ્રેસ, સર્વોદય એક્સપ્રેસ, જેએટી (JAT) વિવેક એક્સપ્રેસ, સાબરમતી–કટરા એક્સપ્રેસ, ગાંધીનગર કેપિટલ–દૌલતપુર ચોક એક્સપ્રેસ, આશ્રમ એક્સપ્રેસ, યોગા એક્સપ્રેસ, સાબરમતી–નવી દિલ્હી રાજધાની અને સાબરમતી–બનારસ સુપરફાસ્ટનો સમાવેશ થાય છે.

5 થી 15 નવેમ્બર દરમિયાન, અરજદારનો અંદાજ છે કે ટ્રેન દીઠ આશરે 100 થી 120 સ્લીપર અને 40 થી 40 એસી સીટો શંકાસ્પદ રીતે બુક કરવામાં આવી હોઈ શકે છે. રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં પણ આશરે 60 જેટલી સીટોનું બલ્ક બુકિંગ થયું હોવાનું સામે આવ્યું છે. આ આંકડા અરજદાર દ્વારા આપવામાં આવેલા અંદાજ છે અને તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

કેરળ તરફ જતા રૂટ પર, 6 થી 13 નવેમ્બર વચ્ચેની ઘણી ટ્રેનોની ચકાસણી કરવાની માગ કરવામાં આવી છે, જેમાં દરરોજ આશરે 100 જેટલી શંકાસ્પદ સીટો બુક થવાનો આક્ષેપ છે. એવો પણ આક્ષેપ છે કે ગુજરાતથી શરૂ થતી મુસાફરીની ટિકિટો રાજસ્થાનના PRS કાઉન્ટરો અથવા એજન્ટો દ્વારા બુક કરવામાં આવી હતી. અરજદારે બુકિંગ લોકેશન, એજન્ટ/યુઝર આઈડી, મોબાઈલ નંબર, પેમેન્ટ પદ્ધતિઓ, આઈપી  એડ્રેસ અને લિંક થયેલા PNR નું વિશ્લેષણ કરવાની માગ કરી હતી.  અરજદારે જણાવ્યું કે અમદાવાદ ડીઆરએમ, રેલવે બોર્ડ, રેલવે મંત્રી અને વડાપ્રધાન કાર્યાલય ને લેખિત ફરિયાદો ઈમેલ કરવામાં આવી છે.